આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ના, ના...."

પિનાકીએ પૂરો જવાબ ન આપ્યો. પણ પુષ્પાના મોં મચકોડેલા મલકાટ બતાવી દેતા હતા કે પુષ્પા સમજી ગઈ છે : હાથલા થોરનાં ઘોલાં જેવી રાતીચોળ આંખો લઈને કૂવેળાની નિશાળ છોડનાર છોકરો ઉપરથી જેવો દેખાય તેવો ડાહ્યોડમરો તો અંદરખાનેથી ન જ હોય! એ વાતની પાકી ખાતરી જુવાન છોકરીઓને નહિ તો કોને હોય!

પિનાકી ચાલતો થયો. તે પછી તેની પીઠ પર પુષ્પાએ પણ પાછા ફરી કેટલીય નજર નાખી; અને એવી છલકતી પીઠ પર ધબ્બા લગાવવાનું મન એને વારંવાર થતું ગયું.


39. ચકાચક!


જંકશન સ્ટેશનમાં એક પણ ગાડીની વેળા નહોતી, તે છતાં ત્યાં ઊભું ઊભું એક ચકચકિત મોટું 'પી. ક્લાસ' એન્જિન હાંફતું હતું. હાથીનાં નાનાં મદનિયાં જેવા ત્રણ ડબા એ એન્જિનને વળગ્યા હતા. પોલીસોની ટુકડી એક ડબામાં બ્રીજલોડ બંદૂકો સહિત ગોઠવાઈ ગઈ હતી.

"ક્યોં ચકાચક કરને કો ચલે, હવાલદાર!" જંકશનનો હેડ કોન્સ્ટેબલ પોતાના બે પંજા વચ્ચે ચૂરમાનો લાડુ વાળતો હોય તેવી ચેષ્ટા કરતો કરતો પૂછતો હતો.

"હાં હાં, તકદીર કી બાત બડી હે, ભાઈ, આજ ફજીર કો જ હમ કોટર ગ્યાટ સેં છૂટ ગયે."

પોલીસ પાર્ટીનો હવાલદાર એ હરેક ઉચ્ચારને ઉત્તર હિન્દુસ્તાની બોલીની હલકમાં લડાવતો હતો.

ફર્સ્ટ ક્લાસના ડબામાં નેતરની પેટીઓ ને ચામડાની ઠસ્સાદાર પટારીઓ ભરાતી હતી. એ પેટીઓ ઉપરથી વિલાયતની કોઈ આગબોટની છાપેલ ચિઠ્ઠીઓ પણ હજુ ઊતરી નહોતી. મૂળ હિન્દુસ્તાનમાં જ બનેલી એ પેટીઓનો આ છાપેલ

૧૯૧
સોરઠ તારાં વહેતાં પાણી