આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રુસકાં મૂકીને રોતી હશે. એને દિલાસો દેનાર કોણ હશે? એના શત્રુઓ એને લૂંટી લેશે? શું કરશે?

એવાં વલોપાતનાં વમળો પિનાકીને જંક્શનની સડક ઉપર અહીંતહીં હડસેલતાં રહ્યાં. એમ કરતાં કરતાં એનું મનપંખી પાંખો ફફડાવીને વિક્રમપુરના આભ-કેડે ઊડવા માંડ્યું.

ત્રણ જ કલાક પછી વિક્રમપુરના દરબારગઢને ઓરડે ઓરડે પ્રાંત-સાહેબનું ટાલિયું માથું નીચું વળી વળી દાખલ થતું હતું. કડીઓ લગાવવા માટેની દીવાની કાકડી અને લાખનો ટુકડો પેટીએ પેટીએ ભમતાં હતાં. દસ વર્ષના એકના એક વારસદાર કુંવરને ચોકીપહેરામાં સાચવીને જૂનાં રાજમાતા ચૂપચાપ બેઠાં હતાં. એને ટિલાવી તો લીધો હતો સવારમાં જ. એને શા માટે ટિલાવવામાં આવ્યો. તે વાંધો ઊઠાવીને ગોરો અધિકારી ધમપછાડા કરી રહ્યો હતો. કુંવરના મામાએ ઠંડા કલેજે જવાબ વાળ્યો કે પ્રથમ ગાદી-વારસને ટિલાવવો પડે; પછી જ મરહૂમ રાજવીની નનામી કાઢી શકાય.

ટિલાવેલ કુંવર બનાવટી છે, રાણીના પેટનો નથી, એવી ખટપટની ફૂંકો પ્રાંત-સાહેબને જમણે કાને ફૂંકાતી ગઈ. તેની બીજી બાજુ ડાબા કાનમાં બીજી વાત રજુ કરવામાં આવી કે નવાં રાણી દેવુબાને બે મહિના ચડેલા છે. એ આખી વાત જ મોટું તૂત છે તેવા પણ અવાજો આવી પહોંચ્યા. ભાતભાતની ભંભેરણીઓ વચ્ચે ગોરો ભવાં ખેંચતો બેઠો હતો. કડી જડેલા જામદારખાનાને ખોલાવીને પછી તેની તમામ સામગ્રીની નોંધ ગોરો લેવરાવવા લાગ્યો. દરેક પેટીનાં નંગ-દાગીના ગણાવા લાગ્યાં. એમાં એક પેટી જરા છેટેરી, એક કમાડની ઓથે પડી હતી, કોઈક સાહેબે જામદારખાનાના મુખ્ય અમલદાર સામે સૂચક દૃષ્ટિ કરી. એ અધિકારી પોતે જ હજુ તો વિસ્મયની લાગણીમાંથી મોકળો થાય તે પૂર્વે સાહેબે એને ત્યાં ને ત્યાં હુકમ ફરમાવ્યો : "નિકલ જાવ."

સાહેબનો છાકો બેસી ગયો. પહેલા દરજ્જાનો અધિકારી ચોર ગણાઈ બરતરફ થયો. એ અમલદારની લાંબી, ટાઈપ કરેલી, ખુલાસાવાર અરજીને સાહેબે ફગાવી દીધી. એને રૂબરૂ અરજે આવવા પણ રજા ન આપી. સાહેબનો એક મહાન હેતુ સધાઈ ગયો! પોતાના નામનો છાકો બેસી ગયો : એ છાકો

૧૯૩
સોરઠ તારાં વહેતાં પાણી