આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બેસાર્યાથી રાજવહીવટની અરધી શિથિલતા આપોઆપ ઓછી થઈ ગઈ.

ધાક બેસારવી, જતાં વેંત થરથરાટી ફેલાવી દેવી, એકાદ કિસ્સામાં દારુણ અન્યાય થતો હોય તો તેને ભોગે પણ કડપ બેસારી દેવો - એવી એકાદ ચાવીએ જ અનેક અંગ્રેજ અફસરોને કાબેલ કહેવરાવ્યા છે. ટાલિયા પ્રાંત-સાહેબને પણ એ ચાવી હાથ આવી ગઈ. વળતા જ દિવસથી એણે રાજના સહકારી વહીવટકર્તા તરીકેનો ચાર્જ સંભાળી લીધો, અને તેલ પૂરેલાં પૈડાંની પેઠે રાજના નોકરો કામ કરવા લાગી પડ્યા.


40. લશ્કરી ભરતી


"હું હાથ જોડીને કહું છું કે મને આમાં ન નાખો."

"પણ, દીકરી, તું રાજરાણી છો. તારે એવું કર્યે જ સારાવાટ છે."

"શી સારાવાટ?"

"ગાંડી, છોકરો હશે તો ચાર ગામનાં ઝાળાં પણ મળશે. નીકર તને એકલીને સુખનો રોટલોય ખાવા નૈ દીયે. જાણછ?"

"નહિ ખાવા દીયે? શું બોલો છો આ?"

"સાચું બોલું છું. તને કલંક લગાડીને કાઢી મેલશે."

"એવી ગાંડી વાતો કરો મા. મને કોઈ નહીં કાઢી મૂકે. હું ક્યાં રખાત છું! મને, ભલા થઈને, આ ઢોંગમાં ન ઉતારો. મારાથી ઢોંગ નહિ ચાલુ રહી શકે. ને પ્રભુએ મને દીકરો દેવાનું સરજ્યું હોત તો તો દીધો જ ન હોત?"

એવું કહેતી એ જુવાન રજપૂતાણી દાંત કચરડીને રોતી હતી. એ વિક્રમપુરની માનેતી વિધવા રાણી દેવુબા હતી. એની આંખો પોતાના ઓરડાની ભીંતો પર ઠાંસોઠાંસ ભરેલી તસવીરોમાં રસ્તો કરતી હતી. પોતાની ને પોતાના મરહૂમ ખાવિંદની એ તરેહતરેહ ભાતની તસવીરો હતી : ઠાકોર સાહેબને ચાનો પ્યાલો પીરસતી દેવુબા : દારૂની પ્યાલી પાતી દેવુબા : ડગલાનાં બટનો બીડી દેતી દેવુબા : દેવુબાના નામની ગૌશાળા ઊઘડે છે : 'દેવુબા

૧૯૪
સોરઠ તારાં વહેતાં પાણી