આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોતે હાથમાં ડંડો ઝાલીને બેઠા.

"કાં!" ભાદરવાના મોરલાના ભરપૂર કંઠીલા કેકારવ જેવો સુરેન્દ્રદેવજીનો ભર્યોભર્યો બોલ આવ્યો.

મહીપતરામ ખુરસી પરથી ખડા થવા ગયા. "બેઠા રો', બેઠા રો' હવે." કહેતા સુરેન્દ્રદેવજી સામા દોડી ગયા, કહ્યું : "અરે વાહ! રંગ છે! આમાં મંદવાડ જ ક્યાં છે? અમને નાહક આંટો થયો. કેમ શુક્લ સાહેબ!" એમ કહેતાં સુરેન્દ્રદેવજી ખાખી બ્રિચીઝ અને કાબરા હાફકોટવાળા પોતાના સાથી તરફ ફર્યા.

"આપને...તો...ઠીક...પણ...સાહેબને...તો...સાચે...સાચ આંટો થયો!" મહીપત- રામ હાંફતાં હાંફતાં બોલ્યા. ને બોલતાં બોલતાં એ ડેપ્યુટી પોલીસ-અધિકારી તરફ ખૂબ કતરાતા ગયા.

"મારી તો ફરજ છે ને!" પોલીસ-અધિકારીએ શેરડીના ચુસાયેલા છોતા જેવો ચહેરો રાખીને કહ્યું.

પા કલાક, અરધો કલાક, કલાક સુધી સુરેન્દ્રદેવજી બેઠા. એ તો કંઈ કંઈ વાતોએ ઊકળ્યા. એમને લાગતું હતું કે મહીપતરામને સુવાણ થઈ રહેલ છે. એની પ્રત્યેક વાતચીતનો મુખ્ય મુદ્દો એક જ હતો કે "આ રાજનું હવે આવી બન્યું છે. શહેનશાહત તૂટવાની તૈયારી છે. એનાં કાળ-ઘડિયાળાં વાગી રહેલ છે. એના પાપ-ભારે જ એ ડૂબશે."

પોલીસ-ઑફિસર એ પ્રત્યેક બોલને પોતાના મનની સ્મરણપોથીમાં ટપકાવતો હતો. કાળી શાહીના અખૂટ બે ખડિયા જેવી એની આંખો હતી.

ઊઠીને પરોણ ચાલ્યા. સુરેન્દ્રદેવજીના મોંમાંથી ઘોડીના સંબંધમાં જો શબ્દસરખો પણ પડશે તો પોતાનું શું થશે તેનો મહીપતરામને મોટો ભય હતો. પણ બીજી સર્વ વાતોમાં ભખભખિયા બનનાર સુરેન્દ્રદેવે ઘોડીને વિષે ઈશારો સરખોય ન કર્યો. એણે ઊઠતાં ઊઠતાં ફક્ત એટલું જ કહ્યું કે, "કોઈ પ્રકારની જુદાઈ જાણશો નહિ."

ડૉગ-કાર્ટના ઘોડાના ડાબલા ઊપડીને થોડે દૂર ગયા પછી જ મહીપતરામનો શરીર પરનો કાબૂ વછૂટી ગયો. એ પટકાયા. તે પછી બીજે દિવસે એમનું અવસાન થયું. પણ છેલ્લી ઘડી સુધી એમણે પિનાકીની સામે ન જોયું.

૨૦૧
સોરઠ તારાં વહેતાં પાણી