આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આઠ-દસ બ્રાહ્મણો જઈને એમને બાળી આવ્યા. એમનું લૌકિક કરવા પણ બહુ લોકો ન આવ્યાં.


42. ઓટા ઉપર


વિક્રમપુર શહેર વધુ રળિયામણું શાથી લાગતું હતું? તેના ઊંચા ટાવરને લીધે? એના કનેરીબંધ, પહોળા 'અમરુ ચોક'ને લીધે? ચાંદની રાતોમાં ધાબે કુટેલી અને ખારવણોના રાસડાનો ફળફળતો રસ પાયેલી એની છોબંધ અગાસીઓને લીધે?

ના,ના; જરાક નિહાળીને જોશો તો વિક્રમપુરનું ખરેખરું રૂપ તમને એનાં મકાનોના ઊંચા ઓટલામાંથી ઊઠતું લાગશે - જે ઓટા માથે બેસીને હર પ્રભાતે ઘર-માલિકો પલોંઠીભર દાતણ કરતા હોય છે, ને સૂરજ બે'ક નાડા-વા ઊંચો ચડે ત્યાં સુધી સામસામા ઓટા પરથી વકીલો-અધિકારીઓ વાતોના ફડાકા મારતા હોય છે.

એ ઓટા પરથી ઊઠવું ગમે નહિ. એ ઓટાને કશું પાથરણું પાથરવાની જરૂર નહિ. રાજના મોટા અધિકારીઓ પ્રભાતે એક બાંડિયા પહેરણભર એ ઓટા પર જેવા દમામદાર અને ડાહ્યા લાગે છે, તેવા એ કચેરીઓની ખુરશીઓ પર નથી લાગતા. એ ઓટા પર માણસ હાથી જેવાં દીપે છે. પાણીભર્યા રૂપેરી લોટાઓ એ ઓટાની વિભૂતિમાં વધારો કરે છે. ને દાતણ કરનારાઓ એ ઓટા પરથી જે પૂર્ણ શાસ્ત્રીય, બુલંદ સુરીલી ઊલ ઉતારે છે, તેનો જોટો તો કદાચ જગતભરમાં નહિ જડે! છેક અરધા ગળા સુધી પેસતી એ લીલા દાતણની સુંવાળી સરખી ચીર પ્રચંડ ઊબકાના સિંહનાદો મચાવે છે. વાઘરણો ત્યાં જે દાતણ નાખવા આવે છે તે અકેક છડીના બબ્બેજ ટુકડા કરેલાં દાતણો હોય છે. વળી એ પ્રત્યેક ઓટાની નીચે ઇતિહાસનું અક્કેક પાનું પડેલું હોય છે. પાડોશીની કે જાહેર પ્રજાની ફૂટ અરધો ફૂટ જમીન દબાવી લેવી, એ બીના ઐતિહાસિક નથી શું? એની લડતનાં દફ્તરો વિક્રમપુર શહેરની સુધરાઇ-

૨૦૨
સોરઠ તારાં વહેતાં પાણી