આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઑફિસના ઘોડાઓ પર તવારીખના થરો પર થરો ચડાવતાં આજે પણ ઊભાં હશે.

એવા એક ઐતિહાસિક ઊંચા ઓટા પર હજુ સૂર્યનું કિરણ નહોતું ઊતર્યું. ઘરધણી ત્યાં હજુ આંખો ચોળતા જ બેઠા હતા. એમની બાજુમાં પાણીનો લોટો, દાતણ અને મીઠાની વાટકી ગોઠવાતાં હતાં.

નજીકમાં એક પીપર હતી. પીપરના થડ પાસે એક ત્રણ વર્ષના નાના છોકરાને સડક પર જતો રોકી એક જુવાન ઓરત ઊભી હતી. ઓરતનો પોશાક આહિરો-કાઠીઓની જાતનો હતો. સાથે બીજી એક ઓરત સાઠેક વર્ષની બુઢ્ઢી હતી. એના મોંમાં પીપરનું દાતણ હતું.

"આમ આવ, ગગા; જો અપણા સાબ બેઠા: એને સલામ ભર." એમ કહેતી એ બુઢ્ઢી નાનકડા છોકરાના હાથને જોરાવરીથી એના કપાળ પર મુકાવતી હતી.

એનો અર્થ સર્યો. દાતણ કરનારનું ઘ્યાન એ તરફ ગયું. બાઇઓ બહુ પિછાનદાર હોય તે રીતે સાહેબની સામે હસી; અમલદારની પાસે ગઇ; કહ્યુઃ "કેમ, બાપા, આનંદ-મજામાં છે ને!"

"આવો,"સાહેબે અરધીપરધી ઓળખાણ પામીને કહ્યું: "શું છે અત્યારમાં?"

“ઇ તો ઇમ આવેલ છીએ, સાબ, કે અમારા વીરમના હજી કેમ કાંઇ સમાચાર નથી?"   "વીરમ કોણ?"

"આ નઇ - તેં ફાંટ ભરી ભરીને બીડિયું બંધાવી'તી ને રૂપાળા ઢગલો ઢગલો રૂપિયા દીધા'તા, ને ઇ ને પીળો દરેસ પેરાવીને આગબુટમાં સડાવ્યો'તો? મારો વીરમ નથી ઇયાદ આવતો? શીળીના ઘોબાવાળો જવાન ઇ વીરમ, લડાઇમાં મેલ્યો છે ને રાજે?"

"મોઢે મને થોડું યાદ રહે, ડોશી? બપોરે કચેરીએ આવજો, ને એનો નંબર તમને આપ્યો હોય ને, એ લેતા આવજો. નંબર હશે તો એનો પત્તો મળશે: નામથી પત્તો નહિ મળે."

આ પણ એક અકળ કોયડો હતો : માણસ જેવો માણસ - જીવતો જાગતો

૨૦૩
સોરઠ તારાં વહેતાં પાણી