આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લાગી. જુવાન ઓરત સામા મકાનોની હાર પાછળ પડેલા દરિયાના કેડવિહોણા અનંત વેરાન ઉપર મનને દોડાવવા લાગી. અને સાક્ષાત જાણે વીરમનો મેળાપ થતો હોય એવા ભાવને લઇને એ બાઇઓ પાછી વળી.

વળતાં વળતાં ડોશીએ પાછા આવીને અમલદારની ત્યાં બેઠેલી છોકરીના હાથમાં કંઇક સેરવ્યું, ને અમલદારની સામે હાથ જોડીને કહ્યું: "અમારી ભાણીબાને.. તારે એમાં કંઇ કે'વું નહિ, સાબ! બોલે એને મારા વીરમના સમ છે."

અને અમલદારે એ આકરા સોગંદ પાળ્યા.


43. વાવાંઝોડાં શરૂ થાય છે


વીરમ નામના લડાઇમાં ગયેલા રંગરૂટની આ બે સગી બાઇઓ ત્યાંથી પાછી વળી. અને આંહીં ઓટાવાળા અમલદારના ઘરમાં બધાં છોકરાં વચ્ચે કજિયો મચ્યો કે ડોશીએ આપેલા અરધા રૂપિયામાં કોનો કેટલો ભાગ. અમલદાર પોતે ઓટલા પર હજામત કરાવવા બેઠા. એમના હાથનું આભલું સૂરજનાં કિરણોને ઝીલી લઇ, કોઇક કટારની માફક, રસ્તે જતી આવતી પનિહારીઓનાં શરીરો પર રમાડતું હતું.

"ફુઇ," ડોશીની દીકરાવહુએ કહ્યું: "આટલે આવ્યાં છીએ ત્યારે હાલોને દરિયે નાળીયેર નાખી આવીએ."

"હાલો, માડી; આ ગગાને પણ રતનાકરને પગે લગાડી આવીએ."

એક દુકાનદારને હાટડે નાળિયેરનાં પાણી ખખડાવીને કાને માંડતી બંને જણીઓ ઊભી હતી. પૂરેપૂરું શ્રીફળ હજુ જડ્યું નહોતું. પાસે ઊભેલ બાળક દુકાનદારની ટોપલીઓમાંથી અડધા અડદનો મૂઠો ભરી રહ્યો હતો. તે વખતે ત્રણ-ચાર પોલીસના સિપાઇઓ દોડતા આવ્યા. અને એ માંહેલા એકે કહ્યું: "ડોશી, નાળિયેર પછી લેજે, હાલો હાલો હાલો ઝટ બેય જણીયું સ્ટેશને."

"કાં ભાઇ? શીદ હાલીએ?"

૨૦૬
સોરઠ તારાં વહેતાં પાણી