આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હવે તારે 'કાં' ને 'શીદ' કરવાનું શું કામ છે? ત્યાં કોઇ તારી પૂજા તો થોડી જ કરવાની છે, મારી મા!" પોલીસે એના હાથમાંથી નાળિયેર મુકાવી દીધાં.

"પણ, ભાઇ," જુવાન બાઈએ કહ્યું: "અમે અહીંના શે'રના નથીઃ ગામડેથી આવેલ છીએ."

"એટલુંય હું તારા મોં પરથી નહિ વરતી શકતો હોઉં?" પોલીસે જુવાન બાઇને પોતાની અક્કલની ખાતરી આપી. "માટે તો તમને તેડવા આવેલ છું."

એમ કહીને સિપાઇએ છોકરાને ઉપાડી લીધો, એટલે પછી બંને બાઇઓ વાછરું પાછળ ગાય જાય તેમ, ચાલી. છેટેથી તેમણે સ્ટેશન પરનો શોરબકોર દેખ્યો. ખચ્ચરગાડીના પીળા રેંકડા ત્યાં એક પછી એક આવી આવીને મુસાફરીનાં બીસ્તર વગેરે સામાન ઠાલવતા હતા. અંદર એક ટ્રેન તૈયાર ઊભી હતી.

બાઇઓ સમજી ગઇ કે આ સરકારી-દરબારી સામાન સારી સારી ગાડીમાં મૂકવા માટે જ સિપાઇ તેમને પકડી લાવેલ છે.

બીજા બે-ત્રણ માર્ગો પરથી એકેક પોલીસ બબે, ત્રણ-ત્રણ ગામડિયાં મુસાફરોને ધકેલી ધકેલી સ્ટેશન તરફ લાવતો હતો.

દરિયાનો ખારો ત્યાંથી દેખાતો હતો. ખારમાં ભેંસનું એક મડદું પડ્યું હતું. એના પર ગીધડાનાં થર જામી પડ્યા હતા. વચ્ચે પેસવા માટે થોડા કાગડા અને એક-બે કૂતરાં મહેનત કરતાં હતાં. "બે જણીયું વાળો કછોટા અને ઉપાડો જોઇએ આ સામાન!” પોલીસ હુલાવાવા-ફુલાવવા લાગ્યો.

"ના,ભાઇ;" જુવાન બાઇએ કહ્યું: "મારી સાસુ નહિ ઉપાડે. એને છે દમનો રોગ. મારું છોકરું એને દઇ દીયો."

"હા, જમાદાર;" ડોશીએ પોતાના દમનો ઇતિહાસ કહેવાનું શરૂ કર્યું: "પરારની સાલ સુધી તો મને નખમાંય રોગ નો'તો, પણ મારા વીરમના બાપ પાછા થયા -"

"પણ, ડોશી, દરિયાકાંઠે તો દમ મે'નત કર્યે જ મટે. હું ય વૈદું જાણું છું." સિપાઇ જાતનો વાણંદ હતો.

૨૦૭
સોરઠ તારાં વહેતાં પાણી