આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ઇ ઠાકોર સાહેબની વેળા જુદી!"

"કઇ રીતે જુદી?"

"જુદી, ભાઇ જુદી! તમે ન સમજો. અમે પ્રથમથી જ સમજતા'તા કે જાત્રાએ જવું જ પડશે બા સાહેબને!"

ઘોડાગાડીવાળો કાંથડ કશીક કથા કહેવા માગતો હતો. કશીક મર્મની કથા એના મનમાં સંધરી જાણે કે સંધરાતી નહોતી. કોઇકને પણ કહી નાખવા એ તલખતો હતો. પણ રાજસ્થાની જબાનો હંમેશા ચક્કર ખાઇને ચાલે છે: સીધા ચાલવાનો એને ડર હોય છે. ગાડીવાળાએ ધીરે ધીરે કબૂલ કરી નાખ્યું કે, દેવુબા સાહેબને દેહનું કોઇ એવું પાપ ધોવા જાત્રાએ નીકળવું પડે છે કે, જેનું બીજી કોઇ રીતે નિવારણ કરવાનું શક્ય નથી.

પિનાકીના જીવનમાં આ પહેલી છાયા પડી. એ સૂનસાન બનીને ધર્મશાળામાં ઊતરી પડ્યો. એક ખૂણામાં બિસ્તર પટક્યું. પછી બિસ્તર પર મોં દબાવીને ઘણી વાર પડી રહ્યો.


44. બધાં એનાં દુશ્મનો


બિસ્તરા પર પડ્યાં પડ્યાં પિનાકીની આંખો ધર્મશાળાની દીવાલ પર ચોટેલી આરસની તકતી પર પડી. અંદર લખ્યું હતું કે -

દેવુબાના સ્વ. કુમાર બલવંતસિંહજીની યાદગીરીમાં.

લેખના એકએક અક્ષરે પલ પછી અક્કેક બાળક્નું રૂપ ધર્યું. પંદર દિવસની આવરદા એ પ્રત્યેક બાળકમાં ઊછળી રહી. લાલી અને કુમાશનો નાટારંભ કરતી એ બાલમંડળી તકતીના આરસ પર લોટપોટ થતી લપસી ગઇ. અને પિનાકીની આંખો પણ એ બાળકોની ટોળીની જોડે લસરતી લસરતી નીચે ઊતરી. એ આંખોએ દીવાલ પર બીજાય લેખો ઉકેલ્યા. ઉકેલતી ઉકેલતી એ એ આંખો દીપડાની આંખો જેવી બની. આંખોમાંથી અગ્નિના દોરિયા ફીટ્યા.

ધર્મશાળાની દીવાલો પરના એ લેખ, કોલસા અક્ષરે, ઈંટના ટૂકડાના

૨૧૩
સોરઠ તારાં વહેતાં પાણી