આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને દેવુબા ભમતાં હતાં ત્યારે. ભેખડગઢ થાણાની ઊંચાઇ પરથી ત્યારે સાંજની નમતી વેળાએ દસ-પંદર ગાઉ માથેથી ગિરના ડુંગરાની ધારો પર લાગતી લાંપડા ઘાસની આગ દેખાતી. એ વગડાઉ દાવાનળ રાતી-પીળી રોશની જેવો લાગતો હતો. આ સિપાઇ પી રહ્યો છે એવી કોઇક બીડીનું ઝગતું ખોખું જ એ ડુંગરાઇ દવનું નિમિત્ત બન્યું હશે.

અગિયારના ટકોરા વાગ્યા. ભૂખ્યો પિનાકી ગોરા રાજશાસકની ઑફિસે ગયો. શિરસ્તેદારની પાસે જઇ એણે હકીકત મૂકી કે, "મને મળતી સ્કૉલરશિપ આ વખતથી બંધ થઇ છે, તો શું કારણ?"

શિરસ્તેદારે એને પટાવાળાઓને બેસવાના બાંકડા પર રાહ જોવાનું કહ્યું, ને પોતે પિનાકીનું નિવેદન લઇ, કોટનાં બટન બરાબર બીડેલાં હતાં તેમ છતાં પણ ચાર વાર બટનો પર હાથ ફેરવી, ગળું સાફ કરી સાહેબની 'ચેમ્બર'માં ગયો. પિનાકીને કાને શબ્દો તો ન પડ્યા પણ સ્વરો અફળાયા. એ સ્વરોમાં નરમાશ તો નહોતી જ.

બહાર આવીને શિરસ્તેદારે પિનાકીને સંભળાવ્યું: "સાહેબ બહાદુર તમને મુલાકાત આપવાની તો ના પાડે છે. પણ કહે છે કે તમારે લખી આપવું પડશે."

"શું?"

"કે હું આજે અથવા ભવિષ્યમાં રાજે કે શહેનશાહ વિરુદ્ધની કોઈ પણ ચળવળમાં જોડાઈશ નહિ."

"આનું કારણ?"

"તમારા હેડમાસ્તર તરફથી રિપોર્ટ થઈ આવેલ છે કે તમે એક ભયંકર બનો તેવા વિદ્યાર્થી છો."

"શા પરથી?"

"રાજકોટની જ્યુબિલીમાં આંહીંના રાજ તરફથી જે સોનાનાં એરોપ્લેન મૂકવામાં આવેલ છે. તેને લડાઈમાં ગયેલા આપણા સિપાઈઓના લાભાર્થે પ્રદર્શન તરીકે મૂકવામાં આવેલ છે, તેની એકેક આનો ફી લઈને વિદ્યાર્થીઓને બતાવવાની તજવીજ થતી હતી ત્યારે તમે વિદ્યાર્થીઓને હેડમાસ્તરની સામે ઉશ્કેર્યા હતા."

"પણ એમાં ઉશ્કેરવાનું શું હતું? હેડમાસ્તર સાહેબની જ નોટિસમાં

૨૧૫
સોરઠ તારાં વહેતાં પાણી