આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઊઠી ગઈ. જર્મનીનો પક્ષ તાણનારા અને કૈસરની મૂછો ઉપર મુગ્ધ બનેલા ગામડિયા ડોસાઓ તે દિવસે જાણે કશું જાણતા પણ નથી એવા ગંભીર મોઢે કામગીરીમાં ચડી ગયા; અને નાના ગામડાની નિશાળોના માસ્તરોને આવા આવા જર્મનપક્ષી નવકૂકરી રમનારાઓ વિરુદ્ધ સરકાર પર નનામા કાગળો લખવાનું કામ જડી ગયું.

સભાઓ ભરાઈ. સરકારી ઓફિસરો પ્રમુખો બન્યા. વકીલોએ વફાદારીનાં વ્યાખ્યાનો કર્યાં. ગોરા પ્રમુખોએ યુદ્ધમાં જનાર બહાદુર હિંદી જુવાનોની તારીફના હોજ પછી હોજ છૂટા મૂકી દીધા. એવી એક દબદબાદાર સભામાં એજન્ટ સાહેબ પોતે પ્રમુખ હતા. રાજા-મહારાજાઓ પૈકી પણ કેટલાકોની હાજરી હતી, અને હાઈસ્કૂલના હેડમાસ્તરે ગજગજ છાતી ફુલાવી ઉછાળા મારતે મારતે ઘોષણા કરી કે,

"આપણા બંકા બહાદુરો, જે પોતાના પ્રાણ આપવા ગયા હતા તેને..."

"તેને કોઈને આંહીં હાજર તો કરો; અમારે તેમને જોવા છે." આવો એક અવાજ સભામાંથી ઊઠ્યો. જે બાજુ દરબાર સાહેબો બેઠા હતા તે બાજુથી ઊઠેલો આ અરધો રમૂજી અને અરધો ગંભીર ઘોષ હતો.

બધા ચકળવકળ જોઈ રહ્યા. એજન્ટ સાહેબે થોડો ગભરાટ અનુભવ્યો. હેડમાસ્તરની વાણી-ધારાને જાણે કોઈક ભાડિયો ખાડો ગળી ગયો.

કોણે આ પ્રશ્ન પૂછ્યો? પાણીમાં નાનો પથ્થર પડે ને લાખલાખ કૂંડાળાં દોરાય, એમ 'ક્યાં છે એ બહાદુરો?'નો ધીરો બોલ પડ્યો, ને સભાજનોનાં હૈયાંમાં ચક્રો છવાયાં - ચિંતાનાં, ધાકનાં, દિગ્મૂઢતાનાં.

હેડમાસ્તર હાંફળાંફાંફળા થઈ ઊભા. એજન્ટ સાહેબે દરબારોના વૃંદ તરફ ત્રાંસી આંખ નાખી. દરબારો એ ગોરાની દૃષ્ટિનાં ભાલાં ચૂકાવવા પછવાડે જોઈ ગયા. કોઈ છછુંદર ત્યાં જાણે ફરતી હોય તેવો ગુસપુસ અવાજ એક મોંએથી બીજે મોંએ પેઠો: 'કોણે પૂછ્યું?'

"એ તો હું પૂછું છું." કહેતા એક દરબાર પછવાડેની ખુરશી પરથી ઊઠ્યા.

એ સુરેન્દ્રદેવજી હતા. એમનો વેશ આગળ હતો તે કરતાં વધુ વિચિત્ર બન્યો હતો. એ વેશના ઘાટઘૂટ કાઠિયાવાડી ખેડૂતને મળતા આવતા હતા.

૨૨૦
સોરઠ તારાં વહેતાં પાણી