આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કપડાંનું કાપડ પાણકોરું હતું - જાડું પણ ધોઈને ફૂલ જેવું કરેલું પાણકોરું હતું. વહાણને જેમ શઢ ચગાવે છે તેમ ખેડૂના દેહને ચગાવનાર પવન-ફૂલતા ઘેરદાર કેડિયાને બદલે સુરેન્દ્રદેવજીએ લાંબો ડગલો પહેર્યો હતો.

"હું સાહેબ બહાદુરને વિનંતી કરું છું -" એમણે એજન્ટ સાહેબ તરફ મલકાતે મોંએ જોતાંજોતાં ચલાવ્યું: "કે-કે-કે-" આંહીં સુરેન્દ્રદેવજીનો અવાજ, બેશક, જરા થોથવાયો. એક પલ એના હાથપગ પાણીપાણી થયા. એજન્ટ સાહેબની આંખો કરતાં પણ બીજી બે આંખો એની છાતીને જાણે કે પરોવી લેવા ધસતી હતી. એ આંખોને એણે ઓળખી લીધી. ને સુરેન્દ્રદેવજીએ આંખોની જ તલવાર-ધારનો ટેકો લીધો. એણે વાક્ય પૂરું કર્યું: "-કે સરકાર બહાદુર પ્રત્યેની ભક્તિ કરનાર એ સોરઠિયા દેશવીરોનાં અમને સહુને દર્શન કરાવો, જેથી અમો આંહીં બેઠેલા સહુ પાવન થઈએ."

'થઈએ' શબ્દનો એ ઉચ્ચાર વીંછીને પૂંછડે વળેલા કાંટા જેવો કારમો હતો. સોરઠનાં રજવાડાંને જે વખતે મૂછના આંકડા સિવાય બીજો કોઈ મરોડ રહ્યો નહોતો, ત્યારે સોરઠનાં આઠ-દસ ગામડા ખાતો આ ગામધણી અવળવાણીનો એક્કો લાગ્યો સર્વને.

તમામ દરબારોનાં મોં પર માંખો બેસી ગઈ, કેમકે એજન્ટ સાહેબ પોતે જ પ્રમુખની ખુરસી પરથી ખડા થયા, પણ જાણે કશો જ ઉત્પાત ત્યાં બન્યો નથી, સુરેન્દ્રદેવજીનો પ્રલાપ કેમ જાણે કોઈ પાગલના મોંમાંથી નીકળ્યો હોય, એવી શાંત લાપરવાઈ ધારણ કરીને એજન્ટે સભાને સમેટવા બોલ ઉચ્ચાર્યા. એ બોલવા દરમિયાન એણે એક પણ વાર સુરેન્દ્રદેવજી બેઠા હતા તે બાજુએ નજર સરખીય ન નાખી. એણે વારંવાર પોતાની તારીફની ફૂલઝડીઓ પોતાની ડાબી બાજુએ બેઠેલા એક ગોરા પર વરસાવી. એણે કહ્યું કે 'સામ્રાજ્યની સેવા કરનારા બહાદુર રાજભક્તોનો મોટામાં મોટો ફાળો તો વિક્રમપુર રાજને નામે ચડે છે, કે જે રાજ્યનું ભાગ્યવિધાન મારા આ બાહોશ સાથીના સલામત હાથોમાં સુપરત થયું છે' વગેરે વગેરે.

એ ઉચ્ચારો નીકળતા હતા તે જ વખતે વિક્રમપુરના એ ગોરા ભાગ્યવિધાતાની આંખોમાં અગ્નિચક્ર સુરેન્દ્રદેવની આંખો જોડે અફળાતાં હતાં. એજન્ટ સાહેબની તારીફમાં વિક્રમપુરના હાકેમને રસ નહોતો રહ્યો. એ રસમાં

૨૨૧
સોરઠ તારાં વહેતાં પાણી