આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખેડૂતો એક વર્ષ પૂર્વે તમારા આવતા-જતા પોલીસોની વેઠ્ય કરતાં વટાવમાં ગાળો ખાતા. તેઓ આજે બળદનાં જોતર છોડી નાખીને જવાબ આપે છે. તે મારા આ રઘુવીરને પ્રતાપે."

"મને ખેદ એક જ વાતનો થાય છે." પોલીસ-અધિકારી ચાલતી વાતને રેલગાડીના ડબાની માફક પાછલા પાટા પર ધકેલી નવી વાતનું વેગન મૂળ લાઈન પર ખેંચી લાવ્યા: "કે રાવસાહેબ મહીપતરામ નિરુપયોગી થઈને મૂઆ. તે જો આપના હાથમાં પડ્યા હોત તો તો પૂરાં એંશી વર્ષની આવરદા ભોગવીને જ જાત."

"હા, ઠીક સંભાર્યું. વખતુભા, સવારે આપણે રજવાડે જતાં જતાં મહીપતરામભાઈને ખોરડે થતા જવું છે હોં કે! ભાણાની ખબર કાઢવી છે."

"હા જી."

"એ છોકરો પણ ઊંધી ખોપરીનો છે. આપ ઠેકાણે પાડશો તો પડશે." પોલીસ-અધિકારી દિલસોજીના હોજ ઠાલવતા હતા.

"જોઈ લેવાશે."

"આપના આખા તાલુકાને જ 'ઊંધી ખોપરી ઍન્ડ કં.'નું નામ આપવા જેવું છે." એક વકીલે કહ્યું.

"મહીપતરામભાઈની પાસે અમારો પેલો મોપલો સિપાઈ દસ્તગીર હતો, તેને તો પછી આપે જ રાખી લીધો છે ને?" પોલીસ-અધિકારી જાણે કે કોઈના ખુશીખબર પૂછતા હતા.

"હા; એની પાસે હતો ખોટા સિક્કા પાડવાનો કસબ, એટલે અમને એ કામ આવી ગયો."

"દરબારી ટંકશાળ તો શરૂ નથી કરી ને!" વકીલ-મિત્રે મર્મ કર્યો.

"પૂછો ને આ સાહેબને!" સુરેન્દ્રદેવજીએ પોલીસ-અધિકારી તરફ આંખ નોંધી. "મને નહિ હોય તેટલી જાણ મારે ત્યાંની પ્રવૃત્તિઓ વિષે એમને તો હશે જ ને?"

"મને આપ એટલો નીચ ગણો છો?"

"ના, કાબેલ ગણું છું. એ કાબેલિયત આજે નીચ માણસોના હાથમાં પડી છે એટલું જ હું દુઃખ પામું છું."

૨૨૮
સોરઠ તારાં વહેતાં પાણી