આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખેડૂત ન પહેરે?"

"ઠીક, હું તો એટલું જ કહું છું કે પહેલેથી લખી પુછાવજો, નીકર આપને દરવાજે રોકશે."

"વારુ! આવવા દો નિમંત્રણ."

"કાઠિયાવાડમાં આપ બે'ક વર્ષ વહેલા આવ્યા હોત?"

"તો?"

"તો ચારેક બહાદુરોની બૂરી વલે થતી રોકી શકાત."

"કોણ ચાર?"

"આજે તો એમાંનું કોઈ હાથ આવે તેમ નથી. એક રૂખડ વાણિયો, બીજો સુમારિયો, ત્રીજો લખમણ પટગર, ને ચોથી રૂખડ શેઠની બાયડી."

"એ બાઈ તો જન્મટીપમાં છે ને?"

"હા - એટલે જીવતે મુરદું."

"જોઈશું." કહીને સુરેન્દ્રદેવજીએ કોઈક અંતરીક્ષમાં ગુણાકાર-ભાગાકાર કરનાર જ્યોતિષીના જેવો ચહેરો ધારણ કર્યો. એ ચહેરા ઉપર અંકાતી ને ભૂંસાતી એકએક રેખામાં પોલીસ-અધિકારી કશુંક પગેરું લેતો હતો.

"મને બતાવ્યા પહેલાં કોઈ પણ જવાબ નથી લખી નાખવાનો, હો કે! સાફ કહી રાખું છું." વકીલ મિત્રે ઊઠતાં ઊઠતાં સુરેન્દ્રદેવજીનો હાથ ઝાલ્યો.

"ને હું પણ ઉપયોગનો લાગું તો મને બેલાશક બોલાવજો, બાપુ." પોલીસ-અધિકારીએ લશ્કરી સલામ કરી.

"હવે એ પંચાત અત્યારથી શી કરવી? થશે જે થવું હશે તે!" કહીને સુરેન્દ્રદેવજીએ સ્નેહીઓને વિદાય આપી. એક ઢોલિયા પર ફક્ત ધડકી બિછાવીને સૂઈ જવાની ટેવ હતી તે પ્રમાણે એ સૂઈ ગયા. નાના બાળક જેવા એ પુરુષનાં પોપચાં પર નીંદર એક જ મિનિટમાં તો પોતાનાં સસલાં ચરાવવા લાગી.

૨૩૦
સોરઠ તારાં વહેતાં પાણી