આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"એણે શું શું કર્યું તે બધું તો સાંભળ્યું જાય તેમ નથી, દીકરા! પણ એણે એક વાત તો કરી બતાવી. શિકારો કરીને સાવજદીપડા માર્યા. દાઢીમૂછોના કાતરા ખેંચીખેંચીને કાઠીઓને ને ગરાસિયાઓને, જતો ને મિયાણાઓને, અપરાધીને ને નિરપરાધીને, કાંટિયા વરણનો જે કોઈ લાગમાં આવ્યો તેને - તમામને બેફાટ માર માર્યો; ને માર ખાતા જે ખલાસ થઈ ગયા તેનો પત્તોય ન લાગવા દીધો."

"અરર!" ભાણો દયાર્દ્ર બન્યો.

"અરેરાટી કર મા, દીકરા. વાણિયા-બ્રાહ્મણોએ સોરઠને સહેજે નથી કડે કરી. આપણે આ કમજાતને ગાડે બેસારી ઉપાડી જઈએ છીએ; પણ મારો ગુરુ વાઘજી ફોજદાર કેમ લઈ જાત - ખબર છે? બતાવું?"

"એ-એ-એ, ભાઈસા'બ!" સુરગની જીભમાંથી હાય નીકળી ગઈ.

"નહિ? કાંઈ નહિ."

"કેવી રીતે, હેં મોટાબાપુ?"

"પછી તું અરેરાટી કરીશ તો?"

"પણ કહી તો બતાવો, કેવી રીતે?"

"કહી બતાવતાં તો આવડે ભાટચારણોને ને આપણા સતનારાયણની કથા કહેનારાઓને. તુંય, ભાણા, ભણીગણીને કથાઓ જ લખજે, મારા બાપ! કહેણી શીખજે; કરણી તને નહિ આવડે."

"પણ કહો તો, કેમ? હેં કેમ?" ભાણાએ હઠ પકડી.

"એ જો, આમ : અમારા વાઘજી ફોજદાર આ બદમાસને આ ગાડાની મોખરે ઊંટડા જોડે બાંધીને ભોંય પર અરધો ઘસડતો લઈ જાય - ગામની વચ્ચોવચથી લઈ જાય, છીંડીએથી નહિ. ને માથેથી કોરડા પડતા જાય, બળદોનાં ઠેબાં વાગતાં જાય, અને...."

"હવે બસ કરો ને!" અંદરથી પત્નીનો ઠપકો આવ્યો.

"કેમ? કોઈ આવે છે પાછળ?"

"ના-ના."

"ત્યારે?"

"આંહીં તો જુઓ જરાક."

૧૬
સોરઠ તારાં વહેતાં પાણી