આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હવામાં ચક્કરો પડી ગયાં. પંખીઓની કિકિયારી ઊઠી, અને શેરડીના વાઢની કાંટાળા તારથી કરેલી વાડ્યની પાસે એક દાતરદીવાળો સૂવર ઢળી પડ્યો. ઊઠીને સૂવર પાણીના વહેણ પાસે પહોંચે તે પહેલાં તો બીજી ગોળી પાળા પર ઊભેલા પુરુષની બંદુકમાંથી છૂટી. સૂવરડો પોતાનાં જખમને રૂઝવનાર પાણીથી અનંત યોજન અંતરે રહી ગયો.

પાળા પરથી એ માનવીએ બંદૂકભેર દોટ દીધી. શેરડીના વાઢ પછવાડેથી થોરની વાડેવાડે એણે હડી મૂકી. એની મોખરે એક શાહુડી નાસતી હતી.

"હો-હો-હો-" એવી એક કારમી ડણક આ બંદૂકધારી માનવીના ગળામાંથી ગડૂદિયાના ગડડાટની પેઠે વછૂટી. દોડતી શાહુડીને એ અવાજે હેબતાવી નાખી; કોઇક મોટું કટક જાણે પોતાની ચોગરદમ ફરી વળ્યું છે. હેતબાઈને પશુ ઊભું રહ્યું. પછવાડે ફર્યું. એનાં અનીદાર પિછોડિયાં ઊભાં થઈ ગયાં. 'સમમમમ' એવા સ્વરો એ પિછોળિયાના રોમાંચમાંથી ભેદાઈ ઊઠ્યા. સહસ્ત્રસહસ્ત્ર તીણાં તાતાં તીરની બાંધેલી કોઈ ભારી જેવી શાહુડી પોતાની પીળી-પીળી આંખોના ડાકણ્યા ડોળાને ઘુમાવતી ને લાલ લાલ મોઢાનાં દાંત કચકચાવતી જ્યારે સામી મંડાઈ ત્યારે ભલભલા શિકારીઓનાં રોમે રોમે સ્વેદ બાઝી જાય તેવો એ મુકાબલો બન્યો.

બન્ને ભડકાને ખાલી કરી નાખનાર એ શિકારી પાસે નવો કારતૂસ ભરવાનો સમય નહોતો. એણે સામી દોટ દઈ, બંદૂકને નાળીથી ઝાલી શાહુડીના ડાચા ઉપર કંદે કંદે પ્રહાર કરી ત્યાં ને ત્યાં એને પીટી નાખી.

મૂએલાં બેઉ જાનવરો તરફ તુચ્છકાર ભરી આંખ નાખીને બંદૂકધારી ફરી પાછો નદીના પાળા પર ચડ્યો. ભરવાડો ડાંગ ટેકવે છે તે રીતે એણે ગરદન પર બંદૂક ટેકવી. ટેકવ્યા પૂર્વે એણે બંદૂક ભરી લીધી હતી. કારતૂસનો પટો એના જમણા ખભા પરથી છાતી પર પથરાયો હતો.

સાણસામાં માણસ જેમ સાપ પકડે તેમ એની નજર ચોમેરના સીમાડાઓને પકડતી હતી.

"કુત્તો બાડિયો દાતરડીવાળો ને!" એ પોતાની જાણે જ બડબડ્યો. "એક વાર આંહી પાણી પીવા આવે તો ખબર પાડું કુત્તાને, કે હું બીજાઓની જેમ વેઠિયો નથી : હું ઊભડ પણ નથી : હું તો છું ખેડૂત : ધરતીનાં આંતરડાં ખેંચીને પાક લઉં છું હું."

૨૩૨
સોરઠ તારાં વહેતાં પાણી