આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છાજલી કરી જોયું: "કોની ઘોડાગાડી તબકે છે? મામા નહિ હોય? આવીને વળી પાછા પરડ હાંકશે - જીવ હત્યાની ને છકાયના જીવની, અઢાર પાપસ્થાનાંની ને પજોસણની મોટી પાંચમનું પડકમણું કરવા રાજકોટ આવવાની!"

જમણી બાજુ કઈંક સંચાર થયો. બંદૂકધારીએ ગળેથી પટો કાઢીને ક્યારે બંદૂક હાથમાં લીધી, ક્યારે તાકી, ક્યારે ભડકો કર્યો ને કયું પ્રાણી ઢળી પડ્યું તેની વખત-વહેંચણી કરવી દોહ્યલી હતી એણે ફક્ત પોતાના ફળ-બાગની બહાર પટકાઈ પડેલ કાળિયારને એટલું જ કહ્યું: "કાં, જાને મારા મીઠાં મરચાં અને મારી દરાખ ચરવા! રોજ હળ્યો'તો! બાપે વાવી મૂક્યું હશે!"

બંદૂકની નાળ વતી એ તોતિંગ કાળિયારના મડદાને ખાડામાં રોડવતો-રોડવતો એ શિકારી હસ્યો: "ગોળીબાર સાંભળતા મામા મારાં પાપનું પોટલું નજરોનજર જોતાં હશે. મારો ઉદ્ધાર કરવા માટે કોઈ સાધુ-મુનિ મહારાજને અહીં લઈ આવશે તો ભોગ મળી જશે મારી ખેતીના!"

કાળિયારના શબ ઉપર થોડો વખત માટી વાળી દેવાની એને જરૂર લાગી. "મામાને ખાવું નહિ ભાવે - જો આ નજરે ચડશે તો." એમ બડબડતો બંદૂકધારી મહેમાન ગાડીની સામે ચાલ્યો.

"એ..... જવાર છે, શેઠિયા જવાર!" દૂર ઘોડાગાડીમાંથી કોઈ ગોવાળ અથવા ખેડુના જેવો રણકાર સંભળાયો.

'મામા ન જ હોય.' વિચારીને બંદૂકધારીએ સામા 'જુવાર'નો ટહુકો દીધો. "આ તો દરબાર સુરેન્દ્રદેવજી," શિકારીને મહેમાન ઓળખાયો. "વાહ! સોનાનો સૂરજ ઊગ્યો."

શિકારીએ સામે દોટ દીધી. દોડતો એ પુરુષ બાળક જેવો લાગ્યો.

"આપ આંહી ક્યાંથી, મારા બાપા! ને આ પોશાક!..." એમ બોલતો બંદૂકધારી સુરેન્દ્રદેવજીને બાથમાં ભીંસીને મળ્યો, ને પછી હસતે મોંએ દરબારના દીદાર જોઈ રહ્યો.

"છેલ્લી વારકીનો તમારો ગોળ ચાખવા."

"ગોળ ને? હા, હવે તમને કાળો કીટોડો નહિ પીરસું, બાપુ! હવે તો આખા કાઠિયાવાડને મોંએ સોના જેવા ભીલાં પોગાડીશ, હવે હું જીતી ગયો છું."

૨૩૪
સોરઠ તારાં વહેતાં પાણી