આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ને ચીકુડીના શા હાલ છે?"

"ચીકુડીઓને તો સાસરું ગોઠી ગયું હવે. હાલો હાલો. એના બચ્ચાં દેખાડું.

મહેમાનના હાથ ઝાલીને બંદૂકધારી પોતાની વાડી તરફ ચાલ્યો. સુરેન્દ્રદેવજીએ પોતાની જોડેના જુવાનાને કહ્યું: "ચાલ, ભાણા."

"કોણ છે?" બંદૂકધરીનું ધ્યાન પડ્યું.

"મારો ભાણિયો છે : મહીપતરામનો પોતરો. તમને સુપરત કરવા લાવ્યો છું."

"અરે માબાપ, એ હું માનું જ કેમ? કાઠિયાવાડાનો જુવાન તો મુંબઈ-અમદાવાદની કૉલેજોના ઝરુખે જ શોભે."

બંદૂકધારીએ એમ કહેતાં કહેતાં પિનાકીના દેહ પર પગથી માથા સુધી નજર કરી. એની આંખોમાં તિરસ્કાર નહતો.

પિનાકીનું દિલ છૂપું છૂપું આ બંદૂકધારીની સૂરતને કોઈક બીજી આકૃતિ જોડે મેળવવા લાગી પડ્યું. કોની આકૃતિ! હૈયે છે પણ હોઠે નથી. કોણ... રૂખડ મામાની આકૃતિ તો નહિ? હાં હાં, એની જૉડે મળે છે. આ વાણિયો! આ નગરશેઠનો પુત્ર! સોરઠની આ ઓલાદમાં કુદરતે શું લોઢાનો રસ રેડ્યો હશે!


50. એક વિદ્યાપીઠ

રાજ- સામૈયામાં ચાલતા કો' ચપળ રેવતની જેમ એ કદાવર બંદૂકધારી ઘડીવાર પોતાની જમણી બાજુ સુરેન્દ્રદેવજીને, તો ઘડીક પોતાની ડાબી બાજુ જરાક પાછળ ચાલ્યા આવતા પિનાકીને પોતાની વંકી નજરમાં લેતો.

"આપે તો સંચોડો જનમ -પલટો કરી નાખ્યો, બાપા!" બંદૂકધારીએ તાજા તલના તેલ-શી ઝલકતી આંખે સુરેન્દ્રદેવજીના દીદાર ફરી ફરી નિહાળ્યા.

"છેલ્લો મને કયારે દીઠેલો, શેઠ?" સુરેન્દ્રદેવજીએ શરમાતે પૂછયું.

૨૩૫
સોરઠ તારાં વહેતાં પાણી