આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"કેમ? અત્યારે પથારી કોને માટે?' સુરેન્દ્રદેવજીએ પૂછ્યું.

"મારા માટે" શેઠે જવ્વબ આપ્યો: "મારું તો જાનવર જેવું જીવતર છે ને બાપા! સહુ સૂએ ત્યારે મારે બંદૂક ખભે ઉપાડી આખી રાત સીમ ભમવાની, ને આખું જગત જાગે ત્યારે મારે થોડી વાર જંપી લેવાનું ."

"જાનવર જેવું નહિ, મુનિવર જેવું! આખી રાત ચોકી કરો છો?"

"બીજો શો ઈલાજ? નહિ તો આ મારાં બચળાંને કોણ જીવવા આપે?"

એમ કહેતાં કહેતાં બંદૂકધારી શેઠની, નજર બબ્બે માથોડાં ઊંચાઈએ ઝૂલતી શેરડી પર અને વાડીનાં ફળઝાડો પર, માના હોઠ ફરતા હોય તેવી રીતે, ફરી વળી.

"શેરડીનો સાંઠો કેવડો કર્યો, શેઠ?"

"કાલ જોખી જોયો : ત્રેવીસ રતલ પાકા ઊતર્યો."

"મરચું?"

"અગિયાર તોલા.'

"શું બોલો છો?"

"ભોમકાની તાકાત છે, મારી નહિ." શેઠે ધરતી તરફ આંગળી ચીંધી. "પણ શું કરું? અભાગણી ભોમકાને માથે - માફ કરજો, બાપા!-તમારા જેવા પોણોસોના પગ ખુંદાય છે. આમ જુઓ : એક લાખ બાવળનાં થડ મેં નાખ્યાં છે. ને રાજગઢ જેવું નગર સાત જ ગાઉને પલ્લે પડયું છે. પણ શું કરું?" નિશ્વાસ નીકળી પડયો.

"કેમ?"

રાજની ટ્રામે રાજગઢનો કુલ વહેવાર પોતાને કબજે લીધો છે. મારો માલ હું મારાં વાહનોમાં ન લઈ જઈ શકું! મારી જ જનમભૂમિ! મારા જ રાજવી! મારી જ પોતાની જાંઘ ઉઘાડી કરવી ને? ચૂપ થઈને બેઠો છું."

ડગલો ઉતારીને શેઠે ગરદન પર હાથ ફેરવ્યો, મહેમાનનું દ્યાન પણ એ ચૂંથાયેલા દેહભાગ પર ગયું : પૂછયું: "આ શું?"

"બહારવટિયાની આપેલ ભેટ." શેઠની મૂછોના વાળ ફરક ફરક થઈ રહ્યા. "બાપડા રાંક હતા. એક દી ભળકડે મારી ઊંઘનો લાગ લીધો. બાપડાઓની ગોળી જરાક આગરદનનો લોચો ચાખી ગઈ. ખેર! થયા કરે."

૨૩૭
સોરઠ તારાં વહેતાં પાણી