આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ અનુભવે પિનાકીએ પુસ્તકોનાં પુસ્તકો પઢાવ્યાં. એને લાગ્યું કે ફાંસીએ લટકેલ રૂખડ મામો નવા યુગના નવસંસ્કાર પામીને આંહી ઊતરી આવ્યો છે.

રાતે જે આંગળીઓ મોત વરસાવતી, તેમાંથી દિવસે જીવન ઝરતું. ચીકુડીના રોપ, દ્રાક્ષના માંડવા, અને સીધા સોટા સમા છોડવા ઉપર ખિસકોલી -શા પગ ભરાવીને ઊંચે ઊંચે ચડતી નાગરવેલડીઓ શિકારી શેઠનાં ટેરવાંમાંથી અમૃતનું પાન કરતી. અને શેઠના પ્રત્યેક વેણમાં પણ પિનાકીએ કદી ન સાંભળેલી એવી નવી ભાષા સાંભળી. સાથીઓ જોડે વાતો કરતાં શેઠ જીવનભરી જ વાણી વાપરતા: "કુંકણી કેળનાં બચળાં રમવા નીકળ્યા કે? માંડ માંડ વિયાણી છે બિચારી!" - "ચીકુડીને આ જમીન ભાવતી નથી, સીમમાંથી હાડકા ભેળાં કરાવો, ખાંડીને એનું ખાતર નીરશું" - "આ બદામડીની ડોક કેમ ખડી ગઈ છે?" - "જમાદારીઆ આંબાની કલમને ને સિંદૂરિયાને પરણાવ્યા તો ખરા, પણ એનો સંસાર હાલશે ખરો? લાગતું નથી, વાંધો શેનો પડે છે? ગોતી તો કાઢવું પડશે ભાઈ, કોઈનું ઘર કાંઈ ભાંગતું જોવાશે?"

"આ ભાષાએ પિનાકીના મનમાં વનસ્પતિની દુનિયા જીવતી કરી. સચરાચરના ગેબી દ્વાર ઊઘડી ગયાં. ખપેડી, ખડમાંકડી અને જીવાતને ખાઇ જનારી ચીબરી ચકલીથી લઈ વાઘદીપડા સુધીની પ્રાણીસૃષ્ટિના એણે કડીબંધ સંબંધો જોયા. એ બધા સંબંધોની ચાવીઓ પોતે નિહાળતો ગયો તેમ તેમ સારું ય સચેતન જગત એને માનવીનું મુક્તિ-રાજ્ય દેખાયું. માનવી એને મરદ દેખાયો. મરદાઈની બધી સૂરત એની સામે વિચરતી હતી. શિયાળાનાં કરવતો આ માનવીનાં લોહ-માંસ પર ફરતાં હતાં, પણ કટકીય કાપી શકતાં નહોતાં. ઉનાળાની આગ એને શેકી, રાંધી ખાઈ જવા માંગતી હતી, પણ ઉલટો આ માનવીનો દેહ તાતું ત્રાંબુ બની ગયો હતો. રોજ પ્રભાતે, વહી જતી રાતને ડારો દેતો માનવી ઊભો હતો - પાણીબંધની ઊંચી પાળ ઉપર : અણભાંગ્યો ને અણભેદાયો.

હવે પિનાકીને એનું ભણતર રગદોળી નાખનાર હેડમાસ્તરની ગરદન ચૂસી જવાની મનેચ્છા રહી નહિ.

છ મહિના ગયા છતાં એણે એકે વાર રાજકોટ જવાનું

૨૪૨
સોરઠ તારાં વહેતાં પાણી