આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

યાદ ન કરાવ્યું.

એમાં એક દિવસ મોટીબાનું પતું આવ્યું.

ઢળતો સૂરજ જંગલનાં જડ-ચેતનને લાંબે પડછાયે ડરાવતો હતો ત્યારે પિનાકીએ શેઠની રજા માંગી.

"ટ્રામ તો વહેલી ઊપડી ગઈ હશે. કાલે જાજો."

"અત્યારે જ ઊપડું તો?"

"શી રીતે?"

"પગપાળો. "

"હિંમત છે? પાકા સાત ગાઉનો પંથ છે."

"મારાં મોટીબાને કોણ જાણે શું શું થયું હશે. હું જાઉં જ." પિનાકીએ પોતાની આંખોને બીજી બાજુ ફેરવી લીધી ને ગળું ખોંખારી સાફ કર્યું.

"ઊપડો ત્યારે, લાકડી લેતા જજો."

પિનાકીને શેઠના સ્વરમાં લાગણી જ ન લાગી. પાસે આટલા માણસો છે, ગાડાં ને બળદો છે, ઘોડી ને ઊંટ પણ છે. એક પણ વાહનની દયા કરવાનું દિલ કેમ આજે એની પાસે નથી રહ્યું?

ખાખી નિકર અને કાબરા ડગલાભેર એ બહાર નીકળ્યો.

"ત્રીજે દિવસે પાછા આવી પહોંચજો." શેઠના સૂકા ગળામાંથી બોલ પડ્યા.

પિનાકીના ગયા પછી શેઠે પોતાની ઘોડી પર પલાણ મંડાવ્યું.

"તમાચી," એણે બૂઢા મિયાણા ચોકીદારને બોલાવીને કહ્યું: "તમે ચડી જાઓ. આપણો જુવાન હમણા ગયો ને, એનાથી ખેતરવા -બે ખેતરવા પછવાડે હાંક્યે જજો. ઠેઠ એના ઘરમાં દાખલ થઈ જાય ત્યાં સુધી સાચવતા રહેજો. એને ખબર ન પડવા દેજો. ને જુઓ : ભેળાં પચાસ કટકા આપણી બિયારણની શેરડીનાં, થોડું થોડું શાક અને ચીકુ એક ફાંટમાં બાંધી લ્યો. ઘોડીને માથે નાખતા જાવ. સવારે જઈને એની ડોશીમાને દેજો. છાનામાના કહી આવજો કે ખાસ કહેવરાવેલ છે મેં, કે તમારા ભાણાની ચિંતા ન કરજો."

"ને જો!" શેઠને કંઈક સાંભર્યું: "રસ્તે એકાદ વાર એનું પાણી પણ માપી લેજો ને!"

૨૪૩
સોરઠ તારાં વહેતાં પાણી