આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

25. પુષ્પા ક્યાં ગઈ ?


રાજકોટના સીમાડા પરથી પિનાકીએ પહેલા ડંકા સંભળ્યા ને પછી લાંબા સાદની એક પછી એક પાંચેક 'આ...લ...બે...લ!' સાંભળી.

'દસ બજી ગયા!' એ વિચારની સાથસાથ એણે સ્મશાનની છાપરી દેખી. એ છાપરીની પાછળ એણે એક ઘોડેસવારનો અચલ, મૂંગો આકાર ભાળ્યો. ઘોડો જાણે કે ઊંચો ઊંચો બની આકાશે ચડતો થયો. અસવારના પગ લાંબા ખેંચાઈને જમીન સુધી લટકવા લાગ્યા. એક જ પલ પિનાકીનાં ગાત્રોને ઓગાળી રહી. પણ એને યાદ આવ્યું કે, આંહી મારા મોટાબાપુને સુવરાવ્યા છે. આંહી રૂખડ મામાનો દેહ બળ્યો છે એ વિચારે સ્મશાન એનું પરિચિત સ્થાન બની ગયું. એ પસાર થઈ ગયો. ને એણે જોયું કે એ સાદો ઘોડે સવાર કાફી ગાતો ગાતો પોતાનાથી દૂર ચાલ્યો આવે છે.

એ હતો બૂઢો તમાચી. તમાચીએ મૂંગા મોંએ છોકરાનું પાણી માપી લીધું હતું.

"મોટીબા, ઉઘાડો!" એમ કહીને એણે પોતાની નાની ડેલી પર બૂમ પાડી તે વખતે એક આદમીને પિનાકીએ મકાનના ખૂણાની પાછળ સરકી જતો જોયો.

ડોશીએ બાળકને બારણાની અંદર લઈ પહેલો જ હાથ એના આખા મોં પર પસવાર્યો. એ સ્પર્શમાં જીભ ન કથી શકે તેવી વાણી હતી.

"મોઢે શું ગૂમડાં થયાં'તા, ભાઈ?" ડોશીએ પૂછ્યું. એણે બાળકનો ચહેરો જે દિવસ છેલ્લે પંપાળીને વળાવ્યો હતો તે દિવસની કુમાશ એની આંગળો નહોતી વીસરી શકી. કેમ જાણે નવા પહેરેગીરો તિજોરીનાં તાળાં તપાસી રહ્યા હોય તેવી અદાથી ડોશીનાં આંગળાં છ મહિના પરના બાલકનું કૌમાર-ધન તપાસતાં હતાં.

"ખીલના ઢીમણાં હશે એ તો." પિનાકીએ જવા દીધો.

ખીલનાં ઢીમણા એટલે ફાટતા જોબનનાં પગલાં. ડોશી સમજી ગઈ. પૌત્રના ચહેરાં પર જુવાની જાણે ગાર ખૂંદતી હતી.

"મોટી બા!" પિનાકીએ ધીમે સ્વરે પૂછ્યું: "કોઈ હતું આંહી?"

"કયાં?"

૨૪૫
સોરઠ તારાં વહેતાં પાણી