આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

5. લક્ષ્મણભાઈ


ગામપાદર નજીકનો રસ્તો બે ઊંચા ખેતરોની વચ્ચે થઈને જતો હતો. ઊંટ ચાલે તો માથું જ દેખાય એટલી ઊંચી હાથિયા થોરની વાડ બેઉ ખેતરને ઢાંકતી હતી; એટલે રસ્તો બંદૂકની નળી જેવો સાંકડો બની ગયો હતો. હાથિયા થોરના હજારો પંજા સાંજના ઘેરાતા અંધારામાં મૂંગો કોઈ માનવ સમુદાય ત્યાં લપાઇને બેસી ગયો હોય તેવી યાદ દેતા હતા.

"હો-હો-હો." એવા નેળની અધવચ્ચેથી હાકલા સંભળાયા.

સામે કોઈક ગાડાં આવતાં હતા. આ નેળમાં સામસામાં ગાડાંને તારવાનું અશક્ય હતું. ગાડાં થંભાવીને એક ગાડાવાળો સામે દોડ્યો.

થોડીવારે એણે પાછા આવીને કહ્યું કે, "રૂનાં ધોકડાંનાં ભરતિયાંની પચીસ ગાડાંની લાંબે હેડ્ય છે. એ આખી હેડ્યને પાછી સામે છેડે કાઢવા માટે બળદો છોડી નાખવા પડે, ને ગાડાં ધકેલી લઈ જવાં જોવે."

"આપણાં ગાડાં પાછાં લઈએ તો કેમ, સાબ?" ગાડાખેડૂએ પૂછ્યું.

"નહિ બને. કહી દે ધોકડાંવાળાને કે અમલદારનાં ગાડાં છે."

"અમલદારનાં ગાડાં શું ટીલાં લાવ્યાં છે!" સામી બાજુથી ગોધાના ગળા જેવું કોઈક ગળું ગાંગર્યું.

"કોણ બોલે છે?" અમલદારે પોતાના કણબીને પૂછ્યું.

"ગીરના મકરાણી છે, સાબ. એનો માલ ઠેસણે જાય છે."

મકરાણીનું નામ સાંભળીને મહીપતરામ ધીમા પડ્યા.

તેટલામાં પછવાડેથી કશીક ધમાચકડી સંભળાઈ, ને કોઈક મરદનો સ્વર - ઠાકરદ્વારની ઝાલર જેવો મીઠો, ગંભીર સ્વર - સંભળાયો :

"નેળ્યમાં ગાડાં કાં થોભાવ્યાં, ભાઈ? માતાજીયું ને રસ્તો આપો. ઘેર વાછરું રોતાં હશે."

"કોણ - લક્ષ્મણભાઈ!" ગાડાખેડુએ અવાજ પારખ્યો.

"હા, કરસન, કેમ રોક્યાં છે ગાડાં?" કહેતો એક પુરુષ આગળ આવ્યો.

એના માથા પર પાઘડી નહોતી; નાનું ફાળિયું લપેટેલું હતું. એના શરીરનો કમર પરનો ભાગ ખુલ્લો હતો. એની છાતી પર કાળું, પહોળું એક કૂંડાળું હતું. ગાડાની નજીક એ આવ્યો ત્યારે નાનો ભાણો નિહાળી શક્યો કે એ તો છાતીના

૧૮
સોરઠ તારાં વહેતાં પાણી