આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક ક્ષણ ડોશી આઘી ખસી ગઇ. પછી તરત નજીક આવી. નમેલી પુષ્પાની પીઠ ઉપર એણે હાથ પસવાર્યો. ઊઠતી પુષ્પાના મોં પર એ હાથ સરતો સરતો આવ્યો. ડોશીથી કશું બોલાયું નહિ. ડોશીએ ધીરે રહીને પુષ્પાને હૈયાસરસી લીધી. સાડલા નીચે ઢાંકી રાખેલી વાટકી કાઢીને ડોશીએ ગોળધાણા લીધા. "ભાઈ, બેય જણા એક એક કાંકરી ચાખશો? બીજું તો શું કરું આહીં? મને કશીય સુઝ પડતી નથી."

"કશું જ કરવું નથી મોટીબા, તમારા પુત્રને આશિષો જ દેજો; બીજું કશું જ નહિ. હું પાછો આવું છું તમને તેડવા."

ડોશીનું મોં જરા ઓશિયાળું બન્યું. ગાડું આગળ ચાલ્યું. પિનાકીએ પૂછ્યું: "મોટીબા, લોકોનો ડર લાગે છે?"

"કોને? મને? ડર? લોકોનો? કાચાં ને કાચાં ખાઈ નહિ જાઉં લોકોને? જા તું તારે, મારી ફકર કરીશ નહિ."

મેણાની મારી ડોશી પડકારા કરીને પાછી વળી. ધગધગતા આંસુ એના ગાલે અને ગળા સુધી જાણે ચોમાસાના ધોધવા પેઠે ચરારા પાડતાં હતાં.

પિનાકીએ પહેલીજ વાર પુષ્પાની સામે નિહાળીને જોયું. પૂછ્યું: "તું મારી પાસે આવવા નીકળી હતી?"

પુષ્પાએ મોં ધુણાવ્યું.

"બહુ મૂંઝાઈ ગયી હતી?"

પુષ્પા ભયની મારી બીજી બાજુ જોઈ ગઇ. એણે ફાળ હતી કે હમણા જ ત્રીજો પ્રશ્ન થશે: કેમ કરીને, કોના હાથમાં ફસાઈ પડી હતી, પ્રવીણગઢમાં શી-શી વલે થઇ- તે વાત નો.

એવું કશુજ પિનાકી ન બોલ્યો. "બહુ થાક્યો છું." એટલું કહીને એણે શરીર ઢાળી દીધું. અકસ્માત જ એનું માથું પુષ્પાના ખોળાની નજીક ઢળ્યું. પુષ્પાએ એ માથાને ઊંચકીને પોતાની ભરાવદાર જમણી જાંઘ પર ટકાવ્યું. પિનાકીને ગાઢી ઊંઘ ચઢી ગઇ.

૨૫૬
સોરઠ તારાં વહેતાં પાણી