આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"સાંભળો શેઠ : મારી સામે જુઓ," એક વકીલ જેવા જણાતા માણસે વાચાને અક્કડ કરી.

શેઠે કહ્યું:" આ જોયું. લ્યો ફરમાવો."

"આ અરધું રાજકોટ જે શાક - પાંદડું ઉપાડે છે ને - "

"હા."

"તેની વખારો નહિ ભરી શકાય : ખબર છે?"

"તો સીમમાં જાનવરોને ચારી દઈશ. રાજકોટને કહી દેજો કે આ વાણિયાની દયા ન ખાય. જાવ, કરી દો, મારા શાકનો બહિષ્કાર."

બોલતાં બોલતાં શેઠની આંખોએ મહેમાનની સામે જ જોવું બંધ કર્યું. એ આંખો ઊંચે ઝૂલતી શેરડી તરફ જોઇ રહી.

"સારું ત્યારે, શેઠ; બીજી તો એમાં શી આશા રાખી શકાય!" એક નગરજને નિઃશ્વાસ નાખ્યો.

"ધૂળના ઢેફાં સાથેનો સહવાસ છે તમારો ભાઇ!" બીજાએ સ્પષ્ટીકરણ માંડ્યું: "એટલે મતિ પણ જાડી બની જાય. નીકર રાજકોટના ફરજંદને...."

"ભૂલો છો તમે." શેઠે કહ્યું : "રાજકોટનાં ફરજંદો જમાનાને પિછાનવામાં પહેલે મોરચે રહ્યાં છે. આખા સોરઠે રાજકોટની દીકરીઓને માથે માછલાં ધોયાં છે, કેમ કે એ ભણવા માટે પહેલી ચાલી. રાજકોટના મોહનદાસે દરિયો ઓળંગ્યો એટલે એનાં પીંછડાં પીંખ્યા'તા સોરઠે. આજ એ દુનિયાનો 'મહાત્મા' બનીને આવ્યો, એટલે એના ખોરડાની ધૂળ મસ્તકે ચડાવો છો બધા! રાજકોટને હું નહિ લજવું, ને મોટા થોભિયા કરનારા, દીવાનપદાં ઠોકનારા, કોરટોની ભીંતો ફાટી જાય તેટલા અવાજ કરનાર તમે સહુ, તમારામાંથી એક તો ઊઠો. આલ્યો : હું મારી બે-જોટાળી ભરીને હાથમાં આપું, જાય છે કોઇ પ્રવિણગઢના રાજ-ચોક વચ્ચે? છે કોઈની છાતી આ રાજકોટની કુંવારકાનું શિયળ રોળનારાના મોઢામાં ચપટી ધૂળ નાખી આવવાની? છે કોઈ તમારો માંયલો તૈયાર એ રાજકુંવરડે ચૂંથેલ રાજકોટની દીકરીને પોતાના દીકરાની કુળવધૂ કરવા માટે? બોલો, કઈ મૂછોનાં ગૂંચળાં માથે લીંબુડાં લટકાવીને તમે મને કહેવા આવ્યા છો કે તમારાથી કોઇથી ન સંઘરી શકાઈ તેવી એક બાળકીને શરણ આપનાર એક જુવાનની સામે મારે મારાં ઘરબાર બંધ કરવાં, ભાઈ? કઈ મૂછોમાંથી એટલું

૨૫૯
સોરઠ તારાં વહેતાં પાણી