આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સહુ ઊઠ્યા. સહુને શેઠે હાથ જોડ્યા.

બહારથી કંઈક નવી સંતલસના ગુસપુસ અવાજો આવ્યા. શેઠે એ સૂર પકડ્યા. એમણે બહાર નીકળીને મોટરોને વળાવતાં-વળાવતાં પૂર્ણ ગંભીર ચહેરે કહ્યું: "જો આપ હવે રાવળજી રાપુને મળવા જવાનો વિચાર કરતા હો તો નવલખાનો મારગ આ સામે રહ્યો. અહીંથી ત્રીસ ગાઉ થાય છે. રસ્તો લાંબો છે ને વાંકો પણ છે. ઉતાવળ હોય તો મારા ચોકિયાતને ભેળો મોકલું. રાત રોકાઈને સવારે નીકળવું હોય તો વાળુપાણીને તૈયાર થતા વાર નહિ લાગે. પથારીઓ પણ તૈયાર છે."

"ના. ના. રાજકોટ જ જશું."

"મારી દયા ન ખાતા હો કે! રાવળજી બાપુ મને દબાવી તો નહિ જ શકે. બાકી હાં, કાઢી મૂકી શકશે."

એ શબ્દોમાં ધગધગતા ડામ અનુભવતા મહેમાનો વધુ વાતનો પ્રસંગ શેઠને ન દેતાં પાછા વળ્યા.

"આ ચાલ્યા આવે બેય જણાં." ચાલતી મોટરે મહેમાનોએ રસ્તામાં બળદગાડીમાં પિનાકી-પુષ્પાને આવતાં દીઠાં.

"સાલાંને આંહીં ઠમઠોરવાં જોઈએ."

"થોડાંક પાણકા લઈ લીધા હોત, તો દોડતી મોટરે એનાં માથાં રંગી શકાત."

"બહુ થયું હવે, ભાઈ!" અંદરથી એક વૃદ્ધના શબ્દો જુદા તરી નીકળ્યા.

"કેમ કાકા?"

"આપણે નામર્દો છીએ. મને શેઠના બોલના ભણકારા વાગે છે : આપણે નામર્દો છીએ. આ છોકરા સામે તો જુઓ!! સાચો મર્દ તો એ છે. હવે આપણે આપણા બબડાટ બંધ કરો."

તે પછી કોઈ કશું બોલ્યું જ નહિ. મોટરો ગાડાને વટાવી ગઈ.

૨૬૧
સોરઠ તારાં વહેતાં પાણી