આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાંધા તૂટતા હોય તો આને પાણીમાં ખદખદાવી નવરાવાય." વગેરે વગેરે.

પિનાકી સાંભળી સાંભળીને સમજતો હતો કે આ બધા વનસ્પતિ-શિક્ષણનું લક્ષ્ય હતી ગર્ભિણી કર્મકન્યા પુષ્પા. મુર્શદે બતાવેલી તે તમામ ઔષધિઓને પિનાકી ઉપાડી લેતો હતો.

"અરે રામ!" શેઠ અફસોસ પણ કરતા જતા હતા: "સોરઠમાંથી જેકૃષ્ણ જેવો ઓલિયો કચ્છમાં ધકેલાણો. આવડી મોટી વસુંધરા એક જેકૃષ્ણને ન સાચવી શકી. કોણ એને પાછા લાવશે? કોણ એના ઈલમનો વારસ થશે? આ ઝાડવાંને કોણ હોંકારો દેતાં કરશે?

ફરીને પાછા આવ્યા ત્યારે પાણકોરાના મોટા બગલથેલાવાળા ત્રણેક મહેમાનો આવી પહોંચ્યા હતા. મગફળીની શિંગો, ખજૂર અને કાજુનો તેઓ નાસ્તો કરતા હતા.

"હો! હો! હા! હા! હા!" એક ચકચકિત મોં વાળા પડછંદ અતિથિનો ખંજરી જેવો રણઝણતો અવાજ આવ્યો: "શુભ સમાચાર! શુદ્ધ બલિદાન ચડી ગયું છે. દુષ્ટોના દિવસો ભરાઈ ચૂક્યા છે."

"શું છે પણ?"

"પરમ આનંદ! મંગલ ઉત્સવ! સુરેન્દ્રદેવજીએ ગાદીત્યાગ કર્યો. શું પત્ર લખ્યો છે સરકાર પર! ઓહ! વાહ ક્ષત્રિવટ! આ તો સોરઠનો રાણો પ્રતાપ પાક્યો!"

"હં! થઈ પણ ચૂક્યું?" શેઠે ગંભીર, ઊંડા અવાજે બંદૂક ખભેથી હેઠી ઉતારી એને શ્વાસ હૈયેથી હેઠે ઉતાર્યો.

"બસ!" મહેમાને અલકારવા માંડ્યું: "જ્વાલા પ્રગટી સમજો હવે!"

શેઠને આ શબ્દોમાં સ્વાદ ન રહ્યો. એણે પોતાની આંખો ચોળી: જાણે કશુંક ન દેખાતું નિહાળવું હતું એને.

"કહો." મહેમાને કહ્યું: "હું તો ઝોળી ધરવા આવ્યો છું. તમે હવે ક્યારે આ બધું છોડો છો? મને વચન ન આપો ત્યાં સુધી હું જમનાર નથી."

શેઠ ચૂપ રહ્યા. મહેમાને બગલથેલીમાંથી છાપું કાઢીને ફગાવ્યું:

"આ વાંચો : શો જુલમાટ ચાલી રહ્યો છે! વિક્રમપુરનાં દેવમાતા દેવુબાને

૨૬૫
સોરઠ તારાં વહેતાં પાણી