આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાચું ખોટુંયે ગુમાન રહી ગયું છે. કારણ? શું હું એક એજન્સી પોલીસનો પુત્ર હતો માટે ? એક કેન્દ્રસ્થ સત્તા પોતાના નાના એવા નોકર દ્વારમાં પણ આ શીખળવીખળ રાજવીહકૂમતો પર શાસન કરી શકતી તેવા કોઈ રાજદ્વારી ડહાપણને દાવે ? ન કહી શકું. એ વૃત્તિને કોઈ કારણોની જરૂર નથી. કોને ખબર છે, બહારના માણસોની હાજરીમાં કે ગેરહાજરીમાં, માતાપિતા કે મોટેરાં ભાઈબહેનો પણ નાનાં બાળકોની જે પટકી રોજ ઊઠીને પાડતાં હોય છે તેના જખમની વૈરની લાગણીને બાળક આ રીતે જગતમાં બનતા પારકા તેજોવધના બનાવોથી તૃપ્ત કરતું હશે.

*

એવું ઘણું ઘણું યાદ આવે છે. મરી ગયેલાં ભાઈબહેનો, કૌટુંબિક દુઃખ પામેલા દાદા અને મોટા ભાઈઓ, સોળ શેરની બંદૂકડી ઉપાડી પરેડમાં જતા, દૂર દૂરને નાકે રાત્રે રોનો ફરતા તેમ જ આગો ઓલવવા બળતી ઇમારતો ઉપર ચડતા સિપાહીગીરી કરતા મારા સ્વ. પિતા, તેમના સાથીઓ, દ્વેષીઓ, તેમની સંકડામણો, અને એવી સંકડામણોમાંથી તેમને ઉગારી ઊંચકી લેનાર ગોરા સૂટર સાહેબ યાદ આવે છે.

સૂટર સાહેબ ! કાઠિયાવાડ એજન્સી પોલીસના ચાલીસ વર્ષ પૂર્વેના ઉપરી હજુ જીવે છે? એટલું જ નહિ, પણ પોતાની હાકેમીના અર્ધી સદી જૂના સ્થાનમાં જૂની સ્મૃતિઓ લઈને જાતે મહેમાન બને છે?

સૂટર સાહેબ ! મારી ચાર વર્ષની બાલ્યાવસ્થાનું એ એક પ્રિય સ્મરણ: મારા મન પરથી ભૂંસાયેલી એની છાપ : મારા ઘરમાં ત્રીસ વર્ષથી ટીંગાતી સૂટરની આ તસવીર મારી માતાએ હજુ પણ લટકતી રાખી છે !

મારા પિતા મને સાંભરશે ત્યાં સુધી મને સૂટર નહિ વિસરાય. સૂટર સાહેબની નીચેના એક અદના સિપાહી મારા વણિક પિતા : બીલખા નાજાવાળા કેસમાં સૂટરની સાથે હતા. થાણાગાલોળ ખૂન કેસમાં હતા.

સૂટર સાહેબનું નામ પડે છે ને ભૂતકાળમાંથી સ્મૃતિઓની દોટાદોટ આવે છે : કરડા, ખૂની આંખોવાળા બીલખા દરબાર નાજા વાળા : બે સ્ત્રીઓને ઠાર મારી, ત્રીજી પટારા નીચે લપાઈ ગઈ : નાજા વાળા પર મુકર્દમો : અહમદનગરમાં

કાળું પાણી : મોત થતાં મુર્દાને અહીં લાવ્યા : ગંધાઈ ગયેલો દેહ : પેટી ઉઘાડતાં

૨૭૨
સોરઠ તારાં વહેતાં પાણી