આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ બાઈઓ ખસી ગઈ, વગેરે મારા ઘરમાં મંડાતી વાતો.

સૂટર સાહેબ ! નાજા વાળા કેસમાં ફિરોજશા મહેતાએ જેને ‘સોરઠની રાજા’ કહ્યો હતો : કટાક્ષ હશે. છતાં સાચી વાત : એજન્સી પોલીસની સ્થાપના મેકે સાહેબથી થઈ પણ એનો કડ૫. એનો દમામ, એની શિસ્ત, અને ખૂની. કાઠિયાવાડના ચમરબંધીઓને પણ ધૂળ ચાટતા કરવાની એની ખુમારી પાનાર તો સૂટર સાહેબ.

સૂટરની વિદાય : પોલીસની ટી-પાર્ટી એક પછી એક નિરક્ષર પોલીસ પાસે સૂટરે કવિતા ગવરાવી : કોઈએ ગાયું ‘છજાં જાળિયાં’ને કોઈએ ગાયું ‘ભેખ રે ઉતારો !’ મને યાદ છે છ વર્ષની વયની એ કૂણી સ્મૃતિ.

સૂટર સાહેબ ! ફરીથી કેટલે વર્ષે મને એ નામ યાદ કરાવનાર સોરઠી બહારવટિયા કથા-સંગ્રહો : સૂટર ધ્રાંગધ્રાના પોલીસ-ઉપરી વાગડના મિયાણા બહારવટિયા જુમલા ગંડને માર્યો. સૂટરના વફાદાર, માથું મૂકીને એની ભયાનક ખૂન તપાસમાં સાથ પૂરનારા જૂના પોલીસ અધિકારીઓ – કેટલાય મરી ખૂટ્યા, જૂનામાંથી બેઠા છે – પંથકી સાહેબ અને એમ. પી. એમ. પી. (મોહનલાલ પોપટભાઈ) વાતો કરતા કે સૂટરની ઑફિસમાં એની નિમણૂંક – એની જુવાન વય – લખવામાં કાંઈક ભૂલ ને વાત્સલ્યવંતા સૂટરે મીઠો ઠપકો આપ્યો : ‘આઈ હેવ એડ્ડૅડ વન મોર ઇડિયટ ટુ માય ઑફિસ !’

સૂટરના શાસનકાળમાં ભરતી થયેલ એ બ્રાહ્મણ વાણિયા ને મિયાણા પોલીસોની એકસરખી ખુમારી, જોખમોની બરદાસ્ત, સંકટસાહસોથી મસ્ત બનેલો જીવનકાળ... સિપાહીગીરીને પુનર્જીવિત કરનારો એ સૂટરનો કાળ.

એ તમામ વાતાવરણથી હું જ્યારે ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ની કથા દોરી રહ્યો હતો, તેમાં પણ વિશેષ કરીને જ્યારે સૂટર સાહેબની સ્મૃતિઓમાંથી હું એક પ્રિય પાત્ર ખડું કરી રહ્યો હતો, ત્યારે મને ખબર પણ નહોતી કે સૂટર જીવતાં છે. સ્વપ્ન પણ નહોતું કે સૂટર કાઠિયાવાડમાં એની બુઢ્ઢી પાંપણોના નેત્રભાર પર છાજલી કરીને જૂના અવશેષોની ઝાંખી કરવા આવી ચડશે.

[‘ફૂલછાબ', 23-1-1937, 10-7-1942: સંકલિત]
 
૨૭૩
સોરઠ તારાં વહેતાં પાણી