આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાજીનામું આપેલું!

હિન્દની મુલાકાતે હમણાં એક એવો માણસ આવી ગયો, કે જેના મુંબઈ ઇલાકાના પોલીસ કોન્સ્ટબલો પર મોટો અહેસાન છે. એ ડબલ્યુ.એલ.બી. સૂટર : મુંબઈના માજી પોલીસ કમિશનર અને ઇલાકાના પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ.

1919માં શ્રી સૂટરે, તે કાળે પ્રવર્તી રહેલી પોલીસોનો પગારોની કંગાલિયત સામે તેમજ રહેઠાણોની દુર્દશા સામેનો વિરોધ નોંધાવીને ઈલાકાની વરિષ્ઠ જગાનું રાજીનામું આપ્યું હતું.

પોલીસ અધિકારી તરીકેની એની પોતાની તેજસ્વી કારકિર્દીની તો સરકારે ઉત્તરોત્તર કદર કરી હતી. છતાં એણે ખાતાના નીચલા નોકરિયાતોના હિતને ખાતર પોતાની કારકિર્દીની આહુતિ આપતાં આંચકો ન ખાધો.

ને સૂટરની આહુતિ એળે નથી ગઈ. એના ગયા પછી થોડી જ મુદતમાં અગાઉની નકારેલી પડેલી સૂટરની માગણીઓ બજેટમાં મંજૂર થઈ ગઈ ને પોલીસોનાં મકાનો, પગારોમાં આવશ્યક સુધારણા થઈ.

[‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' : 23-1-37]
 
[‘ફૂલછાબ', 30-1-1937]
 

*

‘આથમતે અજવાળે’... આવ્યું તે લઈને બેઠો. પૂરું કર્યા વગર રહી ન શકાયું. એ ચરિત્રના કેટલાય પ્રસંગોએ મનને રોકી લીધું છે અને એક સર્વોપરી લાગણી મનને વલોવી રહી છે કે હું તમને જીવનમાં જરાક વહેલો કેમ ન મળી શક્યો?

‘સોરઠ, તારાં વહેતાં પાણી’ લખાતાં પહેલાં તમારા જીવન વિશે જો મેં આટલું બધું જાણ્યું હોત તો એ વાર્તાને હું ઘણી વધુ સમૃદ્ધ બનાવી શક્યો હોત. મેં માનેલું કે હું એક કલ્પિત વાર્તા લખતો હતો. આજે ‘આથમતે અજવાળે’ વાંચીને કલ્પના વાસ્તવમૂલક દેખાય છે.

૨૭૭
સોરઠ તારાં વહેતાં પાણી