આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરીએ. ચાલો, હાંકો, એલા ગાડાખેડુઓ."

"ભલે," પટગર દરબારે કહ્યું : "તેય આપણું ઘર છે ને? શેઠ અને હું કાંઇ નોખાં નથી."

"નોખા તો છીએ, પણ આખરે ભેળા થયે જ છૂટકો છે, આપા!" એટલું કહીને એ બંદૂકધારી શેઠ ગાડાંને દોરી આગળ ચાલ્યા ને એણે ગાડાવાળાઓને પડકાર્યું : "ઝટ હાંકો, એય મડાઓ!"

મોટું ચોગાન જેવડું આંગનું હતું. આંગણાની એક બાજુએ ઊંચી પડથારના ઓરડા હતા. મોટા દરવાજા ઉપર માઢમેડી હતી.

"આપણે મર્દો અહીં ઊતરી જાયેં," કહી બંદૂકધારીએ અમલદારના પિતાને હાથનો ટેકો આપી નીચે ઊતાર્યાં.

"આ એક છે હજી અંદર." ગાડાવાળાએ યાદ આપી.

"કોણ છે?" બંદૂકધારીએ પૂછ્યું.

"પસાયતો છે."

"કેમ?"

તરત ડોસાએ જવાબ દીધો : "બાપડો તાવે ભરાયો'તો એટલે અહીં ગાડામાં લીધો'તો"

એને કોથળા જેવાને ઉઠાવીને ડેલીના ઓટા ઉપર સુવરાવ્યો. ગાડું આગળ ગયું. બંદૂકધારીએ ફળીમાં જઈ સાદ કર્યો : "કાં, ક્યાં ગઈ?"

ઊંચી ઓસરી ઉપર એક સ્ત્રી દેખાઈ. ભાણાએ એને દીઠી, પણ એ કોઈ શેઠાણી નહોતી. હરિકેન ફાનસને અજવાળે એના સોટા જેવો દેહ ઘેરદાર મોટા ઘાઘરાને મોજાં ચડાવતો હતો. એના હાથમાં કાચની બંગડીઓ બોલી ઉઠી, બંગડીઓ જાડી હતી. એને ફરતા, કૂંડાળે, ગંજીપાની 'ચોકડી' આકારના પીળા હીરા હતા. જૂના કાળમાં આ ઝગમગિયા કાચ 'હીરા' ના નામે ઓળખાતા.

અટલસનું તસતસતું કાપડું, ઉપર આછી ચૂંદડી ને ઘેર ઝુલાવતો ઘાઘરો તેની વચ્ચે સહેજ ભીનાવરણું સુડોલ મોં જોતાં જ લાગે કે કાં તો ઈદ રમીને કાં તો તાજિયાના ચોકરા કૂટીને સીધેસીધી કોઈ સિપારણ અહીં ચાલી આવેલ છે.

ઓસરીની કોર સુધી જઇને બંદૂકધારીએ આ સ્ત્રીને હળવેથી ટૂંકા બોલ

૨૨
સોરઠ તારાં વહેતાં પાણી