આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને થાણામાં પહોચેલી ઘોડીએ પોલીસ ગાર્ડની દરવાજાની નજીક આવતાં એકાએક કશીક ફોરમ આવી હોય તેમ નસકોરાં ફુલાવી અતિ કરુણ સૂરે હીંકોટા ઉપર હીંકોટા કરવા માંડ્યા, ત્યારે લૉક-અપમાંથી સામા ઓચિંતા હોંકાર ઊઠ્યાઃ "બાપો કેસર! બેટા કેસર! મા મારી! આંહી છું."

ટેલતો સંત્રી થંભ્યો. નાયક અને બીજા બે પોલીસો આરામ લેતા ઊભા થઇ ગયા અને કમર પટા બાંધતા 'લૉક-અપ' તરફ દોડ્યા. નાયકે એવા બોલ બોલનાર કેદી પ્રત્યે ઠપકાનાં વચનો કહ્યાં: "હાં હાં શેઠ! અહીં જેલખાનામાંથી હોંકારા કરાય? અમલદારો સાંભળશે તો અમને તો ઠપકો મળશે."

તેટલામાં તો ઘોડીની હણહણાટીએ એકધારા અખંડ સૂરો બાંધી દીધા હતા. ઘોડીના પગ તળે પૃથ્વીનું પેટાળ કોઇ અગ્નિ રસે ઊભરાઇ રહ્યું હોય એવી આકુલતા ઘોડીના ડાબલાને છબ છબ પછડાવી રહી હતી. ઘોડીના ગળામાં આહ હતી, આંખોમાં આંસુ હતાં, અંગે પસીનો ટપકતો હતો. એ જાણે હવામાંથી કોઇક સુગંધને પકડવા મથતી હતી.

થાણાનાં માણસોનો આખો બેડો (જથ્થો) ત્યાં જમા થઇ ગયો. સહુ મળીને ઘોડીને ઠંડી પાડનારા બોલ બોલવા લાગ્યા. કેટલાકે ઘોડીને થાબડી, લલાટે હાથ ફેરવી પંપાળી, માણેકલટમાં ખંજવાળ કરી, ને પિનાકીને ઘોડી પરથી ઉતારી લેવામાં આવ્યો.

ભમરાને સુગંધ આવે છે કે નહિ તે તો ખબર નથી, પણ ઘોડાંને માનવીની ઘ્રાણ આવે છે. કેસર ઘોડી પોતાને ઝાલનાર ચાર લઠ્ઠ સિપાઇઓને ઘસડતી ઘસડતી લૉક-અપ તરફ ખેંચાવા લાગી.

થાણદાર સાહેબનું મકાન કચેરીના ડાબે છેડે હતું, જમણા છેડા પર તિજોરી તેમ જ લૉક-અપ હતાં. કાચા કામના કે સજા પામેલા કેદીને રાંધવાનું એક છાપરું હતું.

કચેરી બાજુની ખડકીનું કમાડ જરા જેટલું જ ઊઘડ્યું. બન્ને બારણાની પાતળી ચિરાડમાંથી ગોરા ગોરા ઊંચા ભરાવદાર શરીરનો વચલો ભાગ, પગથી માથા સુધીના એક ચીરા જેવો દેખાયો.

"શી ધમાલ છે?" એમણે પૂરા બહાર આવ્યા વિના જ પૂછ્યું.

નાયકે કહ્યું: "સાહેબ, ખૂનના કેદીની ઘોડી તોફાન મચાવી રહી છે."

૩૦
સોરઠ તારાં વહેતાં પાણી