આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોલીસોની ત્રણ ત્રણ આલબેલો ઝીલતાં કૂતરાં રોતાં.

આવી 'ખાઉ-ખાઉ' કરતી રાત, પિનાકીને એકને જ કદાચ, થાણાના સો-પોણોસો લોકોમાં, મીઠી લાગતી.

પ્રભાતે ઊઠીને પિનાકી ઓટલા ઉપર દાતણ કરવા બેઠો ત્યારે કચેરીના દરવાજા ઉપર પહોળું એક ગાડું જોતરેલ બળદે ઊભું હતું, ને વચ્ચોવચ્ચ રૂખડ વાણિયો પાણકોરાની ચોતારી પછેડી ઓઢીને બેઠો હતો. એના માથા પર કાળા રંગની પાઘડી હતી. ઘણા દિવસથી નહિ ધોવાયેલી પાઘડીના ઉપલા વળ ઉખેડી માયલા ઊજળા પડની ઘડી બહાર આણી જણાતી હતી. પાઘ બાંધવાનો કસબ તો રૂખડનો એટલો બધો સાધેલો હતો કે માથાની ત્રણ બાજુએ એણે આંટીઓ પાડી હતી. ગરદન ઉપર વાળના ઑડિયાં જાણે દુશ્મનના ઝાટકા ઝીલવા માટે જૂથ બાંધીને બેઠાં હતાં.

"ક્યાં લઇ જશે?" પિનાકીએ પિતાને પૂછ્યું.

"રાજકોટ."

રૂખડ શેઠ પહેરેગીરોને કહેતા હતા: “બોલ્યું ચાલ્યું માફ કરજો."

પહેરેગીરોના મોમાં ફક્ત એટલા જ બોલ હતા: "એક દિન સૌને ત્યાં મળવાનું જ છે, ભાઈ! કોઇ વે'લા, તો કોઇ બે વરસ મોડા."

પોલીસોની આંગળીઓ આકાશ તરફ નોંધાતી હતી.

ગાડામાં બેઠે બેઠે રૂખડ શેઠ આ તરફ ફર્યાને મૂંગે મોંએ એણે મહીપતરામને બે હાથની સલામો ભરી: છેલ્લી સલામ પિનાકીને પણ કરી.

ભાણેજ અને મોટાબાપુ - બેઉના હાથમાં દાતણ થંભી ગયાં.

ત્રણ પોલીસની ટુકડીએ આવીને જમાદાર પાસે 'હૉલ્ટ'ના કદમો પછાડ્યા. નાયકે કહ્યું :"સા'બ! એક કેદી ને કાગળનો બીડો બરાબર મળ્યા છે."

"બરાબર? ઠીક; રસ્તે ખબરદાર રહેજો. ને જુઓ: તોફાન કરે તેમ તો નથી ને?"

"ના રે ના, સાહેબ! એને શેનો ભો છે?"

"તો પછી ગામ વચ્ચે રસીબસી ન રાખશો."

"મહેરબાની આપણી. અમનેય એ બાબત મનમાં બહુ લાગતુ'તું,

૩૫
સોરઠ તારાં વહેતાં પાણી