આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થોડીવાર થઇ ત્યાં જ બે ગાઉ નજીકના ગાયકવાડી ગામડેથી એક પીળી પાટલૂન અને કાળાં કોટ-ટોપીવાળા પોલીસ-સવારે આવી પોતાનો તાડ જેવો ઊંચો, પેટની પ્રત્યેક પાંસળી ગણી શકાય તેવો ઘોડો લાવીને ઊભો રાખ્યો. જમાદારને લિફાફો આપ્યો. કવર ફોડીને અંદરનો કાગળ વાંચી મહીપતરામ જમાદારે મોં મલકાવ્યું.

બાપે પૂછ્યું: "કાં? વળી કાંઈ દંગલ જાગ્યું કે શું?"

"હા, ચૂરમેશ્વરનું."

"ક્યાં?"

"રુદ્રેશ્વર મહાદેવમાં."

"કોણ?"

"ગાયકવાડી મોટા ફોજદાર અને ઇન્સ્પેક્ટર પેલા ભીમાવાળાની ડાકાઇટીની તપાસ માટે આવેલ છે, તે ગોઠ્ય ઊડવાની છે."

"ઠીક કરો ફત્તે! તમને તો દાતણની ચીર-માતા ફળી."

ને એક કલાકમાં તો મહીપતરામ જમાદાર ઘોડે બેસી ઉપડી ગયા.

લાડુ અને 'ડાકાઇટી' વચ્ચે તે સમયમાં આટલું જ છેટું હતું.


10. ગંગોત્રીને કાંઠે

બા મુંબઇ ચાલી ગઇ હતી. બાની બીજી વાતો પિનાકીને ગમતી; પણ રોટલી અને રોટલા ઉપર હર વખતે લોંદો લોંદો ઘી 'ખા ને ખા જ!' એવી જિકર એને કડવી ઝેર જેવી લાગતી. શિયાળાની રજામાં મૂસળીપાક ને સાલમપાકના મસાલેદાર લાડુ ભાણાને જોરાવરીથી ખાવા પડતા. ખારેકનો આથો અને દુર્ગંધ દેતો, અને વારંવાર એને બોલાવવા આવતી થાણદારની પુત્રી પુષ્પા પણ આ આગ્રહભેર અપાતા પાકના લાડુ જેવી જ અણગમતી થઇ ગઇ હતી.

છીંટની ઝાલરવાળો ચણિયો પુષ્પાને કેવો ખરાબ લાગે છે! એની રાજકોટની જ નિશાળમાંથી શીખેલી ચટક-ચટક ચાલ શું સારી કહેવાય! ને એના

૩૭
સોરઠ તારાં વહેતાં પાણી