આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નમતી રાતનો પવન વધુ ઠંડક પકડતો હતો.

જરીક સ્પર્શ થતાંની વાર પોલીસ-ધંધો કરનાર પતિ જાગી ગયો. બેબાકળા બની એણે પૂછ્યું: "કોણ છે?"

"કોઈ નથી; હું જ છું."

"બેશ ને!" ધણી એ જગ્યા કરી આપી.

"કેટલા દૂબળા પડી ગયા છો!"પત્ની એ છએક મહિને ધણીના દેહ પર હાથ લગાડ્યો.

"તારો હાથ ફરતો નથી તેથી જ તો!"

"ઘેર સૂતા છો કેટલી રાત? યાદ છે?"

"ક્યાંથી સૂઉં? વીસ રાત તો મહિનામાં ડિસ્ટ્રીકટ કરવાનો હુકમ છે."

"એ તો હું જાણું છું."

"ને બાકીની દસ રાતે તો કોઈને કોઇક અકસ્માત બન્યો જ હોય."

"આજે કંઈ નહિ બને."

"સાચે જ?" કહીને મહીપતરામે પત્નીને છાતી પર ખેંચી. ઝાડની કોળાંબેલી ડાળ નાના છોકરાના હાથમાં નમે એમ એ નમી. છાતી પરથી પડખામાં પણ એ એટલી જ સહેલાઈથી ઊતરી ગઈ. એના ઊના નિસાસાએ પડખાનું રહ્યું સહ્યું પોલાણ પણ ભરી નાખ્યું.

"કેમ?" પતિએ પૂછ્યું.

"કાંઈ નહિ."

"ના; મારા સોગંદ."

"ના, એ તો વહુ બિચારી યાદ આવી ગઈ."

"એ કમનસીબનું અત્યારે નામ ન લે."

"એનો બિચારીનો શો અપરાધ? દીકરો મૂવો ત્યારે વીસ વરસની જુવાનજોધ : ખરાબે ચડતાં શી વાર લાગે!"

"છોડ એની વાત." ઘણા દિવસ પછીની આવી રાત્રિમાં, કોઈ વખંભર ખાઈ ઉપર તકલાદી પાટિયાંનો જૂનો સેતુ પાર કરતાં કરતાં કડેડાડી બોલતી હોય ભય મહીપતરામે અનુભવ્યો. જીવનની ખાઈ ઉપર પત્નીને એ કોઈ આખરી ટેકાની માફક બાઝી રહ્યા.

ત્યાં તો બહારથી અવાજ પડ્યો: "સા'બ...."

૪૪
સોરઠ તારાં વહેતાં પાણી