આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હવે જાવ, જાવ : ગધેડિયું તગડો - ગધેડિયું, આપા!" બાઇ હસી પડી.

આ બધી વાતચીત પિનાકીના ગળા ફરતી કોઈ રસીના ગાળિયા જેવી બનતી હતી. એ રસીને બીજે છેડે આ ગામડાનું લોકજીવન બાંધેલું હતું. પિનાકી પોતાના પ્રત્યેક ડગલે આ રસી ખેંચતો હતો, ને લોકજીવન એની પાછળ પાછળ ઘસડાયે આવતું હતું.

અજબ જેવી વાત : આ ચોપડીઓના ને કપડાના ને પાંચ શેર પેંડાના બોજાને ખેંચતું હાડપિંજર હસતું હતું : ઠેકડી પણ કરી શકતું હતું. બાળકને ધવરાવી રહ્યું હતું. ગામના કાઠી પસાયતાને પોતાના નર્યા હાડચામની લાલચમાં પણ લપેટી રહ્યું હતું.

બીજા ગામના ઢેઢવાડાને ઊંચે ટિંબે ટ્રંક ઉતારીને એ બાઈ બાળક સહિત પાછી વળી નીકળી. અંદરથી કોઈકે સાદ કર્યો : "નંદુ, રોટલા ખાતી જા!"

"ના, મામી, આ તો રોજનું થિયું," કહેતી એ નંદુ ઢેઢડીએ પોતાના ગામને માર્ગે ઝપટ કરી કેમકે એને આપા આલેકની જોડે પાછા વળવાની બીક હતી.

એ ગામના પાદરમાં પિનાકીએ ઘોડી થંભાવી. ગામનો પસાયતો એક ખેડુને અને બે બલદોને લઈને ત્યાં ઊભો હતો.

""રામ રામ, આપા આલેક."

"રામ." બેઉ મળ્યા.

"કેમ આંહી બેઠાં છો?"

"ભાઈ આ ત્રણે ઢાંઢાની ચોકી કરું છું" ગામના પસાયતાએ ખેડુ તથા બળદો બતાવ્યા.

"કાં?"

"થાણદાર સા'બ નીકળવાના છે. તે આંહી એના ગાડાની જોડ બદલવાનો હૂકમ છે."

" ક્યારે નીકળશે?"

"ભગવાન જાણે. કોઈક વાર તો ઠેઠ સાંજરે જાતા નીકળે છે."

"હા, ભાઈ, હા; એ તો એની સગવડે નીકળે!"

"પણ આ ભૂત કાંઈ અમલદારૂની બાબસ્તા થોડો સમજે છે? હજી તો ભળકડે એને આંહી ઢાંઢાં લઈ ઊભો રાખ્યો છે, તે આટલી વારમાં થાકી ગયો!"

૫૩
સોરઠ તારાં વહેતાં પાણી