આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કવિતા સંભળાવોને!’ એમ પણ કહેતો.”

“અમે પૂછતાં કે, મૂછો કેમ વણો છો? તો કહે કે બાંધેલા હાથ બીજું શું કરી શકે? – મરદો તો મૂછો જ વણે ને!”

ત્યારે પિનાકીએ કહ્યું : “આ બીજા છે તે ને, તે અમારા રૂખડ શેઠ છે.”

“તારા શી રીતે?”

“હું એને ઘેર રાત રહેલો. એને ઘોડી પર ચડેલો. ને એણે મને ઘોડી પર ખૂબ ખૂબ બેસાડવાનું વચન આપેલું.”

આ શબ્દો પિનાકી કંઈક વધુ પડતા અવાજે બોલી ગયો. એના અવાજે ગાડામાંથી બીજા કેદીની આંખો ઊંચી કરાવી. બેઉ આંખોએ એ અવાજ શોધી કાઢ્યો. પિનાકીને જોઈ રૂખડ કેદી સહેજ હસ્યો. એણે બેડીબંધ હાથના જોડેલા પંજા પિનાકી તરફ ઊંચા કર્યા. પિનાકી પોલીસ-પહેરાનું ભાન ભૂલી ગયો ને રૂખડ શેઠને રામરામ કરવા ગાડાની નજીક ધસ્યો. પહેરેગીરોએ એને પાછો ધકેલ્યો. અને પછવાડેથી કોઈકે ઝીલી ના લીધો હોટ તો એ નીચે પટકાઈને થોકથોક ઉભરામતા લોક-વૃંદના પગમાં હડફેટે ચડ્યો હતો.

નીચે પડી ગયેલી ટોપી એ શોધે તે પહેલાં તો એનું ધ્યાન એને ઝીલનાર હાથ પર ચોંટયું. એ બેઉ હાથનાં કાંડા બંગડીથી ભરપૂર હતાં.

નિસરણીનાં પગથિયાં સમી એ બંગડીઓ પર થઈને પિનાકીની નજર દોટમદોટ પોતાને ઝીલનાર માનવીના મોં પર ગઈ, ને એ મોં બોલી ઊઠ્યું : “ભાણાભાઈ, તમે આંહી છો?”

એ મોં રૂખડ શેઠની સિપારણ સ્ત્રીનું હતું. એને જોતાંની વાર પ્રથમ તો પિનાકી સ્તબ્ધ બન્યો : પગથી માથા સુધી નવોનકોર પોશાક : ભરપૂર ઘરેણાં : અત્તરની સુગંધ મઘમઘે. પોતાના ધણીને ફાંસી થવાની છે તે સમયે આ ઓરત આટલો ભભકો કરીને કાં આવી હશે?”

પછી તો પિનાકીના ખભા પર હાથ મૂકીને જ એ ઓરત ચાલવા લાગી અને રસ્તામાં વખતોવખત એણે પડકાર કરીને કહ્યું : “હોશિયાર રે’જો! ખબરદાર રે’જો! માલિકનું નામા લેજો. હો ખાવંદ!”

એ પ્રત્યેક પડકાર લોકમેદનીને કોઈ મસીદ પરથી ઊઠતી બાંગના પુકાર સમો જણાતો. ટોળું ચુપકીદી ધારણ કરતું. પડકાર દેનારી ઓરતની આજુબાજુ

૫૮
સોરઠ તારાં વહેતાં પાણી