આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માર્ગ પહોળો બની જતો. પોલીસોની કરડાકી ઓસરી જતી. સિપાઈઓ પોતે કોઈક ઘોર નામોશીનું કૃત્ય કરવા જઈ રહ્યા હોય તેવા શ્યામ ચહેરા કરી, ભોંય પરા નજર ખુતાડીને ચાલતા હતા.

ને સુમારિયો કેદી તો, બસ, મૂછોને વળ ચડાવ્યા જ કરતો રહ્યો. લોકોના ટોળામાંથી છાનીમાની હાકલો પડતી જ રહી: “દોસ્ત સુમારિયા! શાબાશ, દોસ્ત સુમારિયા!” હાકલ સાંભળતો સુમારિયો બે હાથના પંજા વચ્ચે મૂછના વાળનું વણાટકામ વધુ જોશથી ચલાવતો હતો. એના ખોંખારા અને એનો કસબ એની બાજુમાં શાંત બેઠેલા કેદી રૂખડના મોં પર પણ મલકાટ ઉપજાવતા હતા.

મામાના ખીજાડા પાસે ઊપસેલી ધરતી હતી. લોકો એને ‘ખપ્પર ટેકરી’ કહેતા. એ ધરતી પર ફાંસીના માચડા ખડા થયા હતા. માચડાને ફરતી ઘોડેસવારોની તેમજ પાયદળ-પોલીસની સાતથરી ચોકી હતી. એ ચોકીને ફરતું લોકોનું ટોળું હતું. આસપાસના ઝાડોને જાણે કે પાંદડે પાંદડે માનવી ફૂટયાં હતાં. પણ માચડા પાસે શું શું બન્યું તેનો સાક્ષી રહેનાર પિનાકી પેલી ઓરતની હોડે જ છેલ્લી વિધિઓના સમયમાં નજીક ઊભો હતો.

સરકારી હાકેમે રૂખડ કેદીને પૂછ્યું : “તારી કાંઇ આખરી ઈચ્છા છે?”

“હા, એક વાર મારી ઓરતને મળી લેવાની.”

રાજા આપવામાં આવી. સિપારણ ઓરત નજીક આવી. કેદી એની સામે જોઈ રહ્યો. ઓરતે કહ્યું : ”ધરાઈ ધરાઈ ને જોઈ લેજો હો કે!”

“મસ્તાન રે’જો.” ઓરતે ભલામણ કરી. કેદીએ પગલાં આગળ ભર્યાં ધીમેથી કહ્યું : “ તું... તું...”

“કહો, કહો, શું છે?”

“તું દુઃખી થાતી નહિ.”

“એટલે?”

“તું ફરીને ફાવે ત્યાં...”

સિપારણની આંખોમાં પહેલીવાર આંસુ દેખાયાં. એણે આંખો મીંચીને પોતાને કલેજે હાથના પંજા ચાંપી દીધાં.

“બોલ્યું ચાલ્યું માફ કરજો...” કહીને કેદી ફરી ગયો.

૫૯
સોરઠ તારાં વહેતાં પાણી