આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગાઉમાં કોઈ શિકાર નથી થાતો. માટે સાહેબ બહાદુરને વિનંતી કરવાની કે કાલ હરણકું માર્યું તેનું પ્રાછત કરે, એટલે સાહેબનાં બાળબચ્ચાંને ગુરુદત્ત અખંડ આયખું બક્ષશે."

બીજા ગામના વાણિયા હતા. તેમણે હાથ જોડીને વિનંતી ગુજારી : "કૂતરાંને ઝેરનાં પડીકાં ખવરાવીને આજ ગામના થાણાના પોલીસે અમારી લાજઆબરૂ લીધી છે."

"ઓ! કુત્તા - કુત્તા કો મારેંગા; હમ હુકમ દેકર મારેંગા. ક્યું નહિ મારેંગા! રૅબિડ (હડકાયા) હો જાતા તબ કુત્તા સબકો કાટતા. તબ તુમ માજન લોગ ક્યા કરતા! ગાય કો કાટતા, બેલ કો કાટતા, ઓરત કો કાટતા, બચ્ચા કો કાટતા : હંય? તબ તુમ ક્યા કરતા : હંય?"

"ઈ ઠીક! સાહેબ બહદુરનું કહેવું સોળ વાલ ને એક રતી છે." મહાજનના આગેવાન દસેય આંગળીએ વેઢ પહેરેલા પંજા પહોળા કરતા કરતા બોલતા હતા. "પણ આ તો ધરમની વાત છે, સાહેબ."

"નહિ નહિ, ઢરમ નહિ." સાહેબે ટોપો પછાડ્યો, એટલે વણિકો બે ડગલાં પછવાડે હતી ગયા, ને સાહેબે કહ્યું : "જાઓ."

સાહેબે બાવાને કહ્યું : "ઑલ રાઈટ! હમ અફસોસ કરતા હૈ. માલૂમ નહિ થા. અબ શિકાર નહિ કરેંગે, યોર હોલીનેસ!"

ધૂપ પીપળાના બાવાએ 'અહા...લેક... તેરે બાલબચ્ચે કો ગુરુદત્ત આબાદ રખે! તેરા રાજ અમર તપે!' વગેરે શબ્દોના મંત્ર-રટણની સાથોસાથ પોતાની પાસેના ઝગતા ધૂપિયા ઉપર ધૂપની ભૂકી ભભરાવી સાહેબનાં મોં સુધી ધૂપિયું ફેરવ્યું. બે હાથ વતી ધૂપ લેવાની વિધિથી સાહેબ બિનમાહિતગાર હોઈ આ ક્રિયા જોઈ ડર પામ્યા. ત્યાં તો મહીપતરામે સાહેબની આગળ આવી ધૂપ લઈ બાવાજીને વિદાય કર્યા. 'જે હો! ગોરે કા રાજ કા જે હો!' એવી બાંગો દેતો દેતો, કમ્મરે બાંધેલ દોરડામાંથી લટકતા પાંચેક ટોકરાના ધમકાર કરતો ચાલ્યો જતો બાવો છેક ગામઝાંપા સુધી સંભળાયો.

એ બધાંને પતાવી લીધા પછી સાહેબે છેટે એક કાળા પોશાકવાળી ઓરતને દેખી. ઓરતના મોં પર એક બાજુ લાજનો ઘૂમટો હતો. એની પાસે એક પંદર વર્ષનો છોકરો ઊભો હતો.

૬૬
સોરઠ તારાં વહેતાં પાણી