આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"કોણ છે? શું છે? ઈધર લાવ." સાહેબે સાદ કર્યો. ને મહીપતરામે નજીક આવતા તેને ઓળખ્યો. એ તો પિનાકી હતો.

મહીપતરામે ધીરેથી કહ્યું : "તું આંહીં ક્યાંથી? શું છે આ કાગળમાં?"

પિનાકીએ એ ઘૂમટાવાળી બાઈના હાથમાંથી કાગળ લઈને શિરસ્તેદારને આપ્યો.

શિરસ્તેદારે કાગળ ફોડી વાંચ્યો. ભાંગીતૂટી શિખાઉ અંગ્રેજીમાં લખેલી એ અરજી હતી. નીચે અંગૂઠાની છાપ હતી. છાપ નીચે અંગ્રેજીમાં લખ્યું હતું કે, 'ફાંસીએ ચડનાર શેઠ રૂખડની વિધવા ઓરત ફાતમાબાઈ.'

18. રૂખડની વિધવા


"શેઠ રૂખડની વિધવા ફાતમા?" શિરસ્તેદારે આ સમસ્યાનો ઉકેલ કરવા મહેનત લેવા માંડી હતી. એ તો પિનાકીએ શિરસ્તેદારના કપાળ પર સળગતી કરચલીઓ જોઈને કલ્પી લીધું.

અરજીમાં એવી મતલબનું લખ્યું હતું કે, "હું મરનાર રૂખડ શેઠની ઓરત છું. એનો ઘર-સંસાર મેં દશ વર્ષ સુધી ચલાવ્યો છે, છતાં મને આજે શા માટે એની માલમિલકત તેમજ જાગીરોનો કબજો-ભોગવટો કરવા દેવાની ના પડવામાં આવે છે?" વગેરે વગેરે.

"આ તો ઓલ્યા રૂખડિયાની રાંડ ને?" શિરસ્તેદારે મહીપતરામને પૂછી જોયું. પ્રશ્નમાં તિરસ્કાર ભર્યો હતો.

'રાંડ' શબ્દ મહીપતરામ પણ સો સો વાર વાપરતા હતા. એમણે હા પાડી.

પિનાકી લાલપીળો થઈ ગયો. એના હોઠ ફફડવા લાગ્યા: "મોટા બાપુજી!" તમે - તમે -"

"ચૂપ મર." મહીપતરામે પિનાકીને દબડાવ્યો: "આને આંહી કોણ - તું જ લઈ આવ્યો કે?"

૬૭
સોરઠ તારાં વહેતાં પાણી