આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એવા તો ત્રણ-ચાર ડેરા જુદા જુદા ડબાઓમાંથી નીકળી પડયા, ને સહુ મળી પેલા શણગારેલા ડબાઓ પાસે પહોંચ્યા. ફરીથી પાછી ડબાના દરવાજા ઉપર ડેરાઓ ખાલી કરવાની ગડમથલ મંડાઈ, અને બે આગગાડીઓનાં ઉતારુઓની ત્યાં મળેલી ઠઠ વચ્ચે પણ ડેરામાંથી નીકળીને કોઈક માનવીઓ ડબામાં વણદેખાયાં પ્રવેશ કરી ગયાં. તેનો વિજય-ગર્વ પેલી આઠ-દસ ઘેરદાર પોશાકવાળી વડારણોના ચહેરા પર વિસ્તરી ગયો.

આંટીદાર પાઘડીઓ, પાનીઢક ઝૂલતી કમર-પછેડી અને ચપોચપ ચોંટેલી સુરવાળોનો ત્યાં સુમાર ન રહ્યો, તમાશો મચી ગયો. ને એ ઘાટી તેમજ આછી દાઢીવાળા, દાઢી વચ્ચે કાપવાળા તેમ જ કાપ વગરના, કાતરાવાળા તેમજ થોભિયાં રાખનારા, બાલાબંધી તેમજ છ-બગલાં કેડિયાવાળા, ફાસરાવાળી તેમજ ફાસરા વગરની બાંયોવાળા, કાંડે ચપોચપ કરચલીઓ પાડેલી બાંયોવાળા તેમજ ચાર કાંડા એક સાથે નાખી શકાય તેટલી પહોળી બાંયોવાળા, બૂટ, સ્લિપર અને બીલખા બાજુનાં હળવા ઓખાઈ પગરખાં પહેનારા, તરવારવાળા તેમજ તરવારનો બોજો ન સહી શકે તેવા નાજુક સોટીએ શોભતા હાથવાળા -એ રજપૂતોની વચ્ચે એક પુરુષ સર્વનાં સન્માન પામતો ઊભો હતો. સહુ તેને બાથમાં ઘાલી મળતા ને ભલકારા દેતા હતા.

પણ એ આદમીની સ્થિતિ કેવી હતી! ઓચિંતો ધરતીકંપ થવાથી કોઈ સપાટ રેતાળ જમીનનો ટુકડો પણ અણધાર્યો ઊપસી આવ્યો હોય ને ઘાટઘૂટ વગરનો ડુંગર બની ગયો હોય, તેવી એ સ્થિતિ હતી. નવી સ્થિતિની અકળામણ એનાં મોં ઉપર દેખાતી હતી. પહાડી પ્રદેશની સ્વાભાવિક રેખાઓ ને મરોડ એમાં નહોતાં. ઓચિંતા ને ધડા વગર ઉપર ધસી આવેલા ખડકની કર્કશતા દર્શાવતો એ માનવી હતો.

પિનાકીને થતું હતું કે આ માણસને પોતે કયાંક જોયો છે, ને સારી પેઠે સમાગમ પણ એની જોડે પોતે પામ્યો છે. પણ એની યાદદાસ્ત ઉપર આ ભભકાનું ઢાંકણ વળી ગયું હતું.

બે પ્રેક્ષકો પિનાકીની નજીક ઊભા ઊભા વાતો કરતા હતા:

"નસીબ આડે પાંદડું જ હતું ને!"

"હા; નીકર એની વેરે મારૂં માગું દાનસંગે કેટલી વાર મારા જીજી કને

૭૨
સોરઠ તારાં વહેતાં પાણી