આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નાખેલું - ખબર્ય છે નાં?"

આ બોલનાર માણસને અમથી અમથી પણ આંખોના ખૂણા દબાવવાની તેમજ ભવાં વાંકાં કરી કરી ઉછાળવાની ને ભાંગવાની ટેવ હતી.

"ને એમાં રૂપ પણ શું બળ્યું છે કે રાવલજી અંજાયા?"

"રૂપ નો'તું એટલે જ મારા જીજીએ મારી વેરે વેશવાળ કરવાની ના પાડી'તી ને?' એમ કહીને ફરી પાછા એ બોલનારે ભમર ભાંગ્યાં ને જ્મણી આંખનો ખૂણો દાબ્યો.

" અરે, આજ સુધી એજન્સીનાં થાણાંની પોલીસ-લેનોમાં દેદા કૂટતી ને ઘોલકિયું રમતી'તી આ બચાડી."

"હા, ને આજ તો બેસી ગઈ વિક્રમપુરને પાટઠકરાણે."

"પણ રાવલજી મોહ્યા શી રીતે?"

"પોટુગરાપો જોઈ જોઈને. પોટુગરાપમાં તો રૂપ ન હોય તોયે રૂપ દેખાય છે ને?"

"હા, ને મારો પોટુગરાપ મારા જીજીએ પડાવ્યો'તો તેમાં રૂપ આવ્યું જ નહિ! રૂપાળાં ન હોય ઈ પોટુગરાપમાં રૂપાળાં વરતાય, ને રૂપાળાં હોય ઈનાં મોં પોટુગરાપમાં વરહાં આવે, એવી કરામત કરી છે મારે દીકરે સરકારે!"

પિનાકીને થોડું થોડું ઓસાણ આવ્યું: પેલા સહુની વચ્ચે દેખાતા આદમી દાનસિંહકાકા તો નહિં? એ જ ; હા, હા, એ જ.

એટલા નિર્ણય પછી એકાએક પિનાકીના હ્રદય પર એક ધ્રાસકો પડયો. એને શરીરે જાણે શરદીનો ટાઢો વા વાયો. બે જણા જે કન્યાની વાત કરે છે તે કોણ? દેવુબા? દેવુ કોને -વિક્રમપુરના રાજ રાવલજીને વરી? દેવુબાની પેલી છબીઓ પડાવીપડાવીને શું દાનસિંહજીકાકા વિક્રમપુર મોકલતા હતા? દેવુબાની જોડે મને છેલ્લેછેલ્લે મળવા નહોતા દેતા તે શું આ કારણે?

એ પડછંદ કાયાધારીઓનો સમુહ ભેદતો ભેદતો પિનાકી પેલા ઓળખાણવાળા પુરુષની પાસે પહોંચ્યો, ને એનો હાથ ઝાલી હલાવ્યો; બોલ્યો : "દાનસંગજીકાકા! મને ઓળખ્યો?"

ઊંચા આદમીએ હાથ પાછો ખેંચી લઈને છોકરા તરફ નજર કરી; એટલું જ કહ્યું : " કેમ છે એલા? કયાં છે તારો બાપુજી? તું અહીં કયાંથી આવી ચડયો?

૭૩
સોરઠ તારાં વહેતાં પાણી