આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હમણાં જતો રહે, હો; પછી - પછી -"

છોભીલો પડવા છતાં પિનાકી પૂછયા વગર ન રહી શક્યો; "દેવુબાબહેન અહીં જોડે છે?" કયાં જાઓ છો તમે? મને યાદ કરે છે..."

આ બધા સવાલોમાં હસવા જેવું કશું નહોતું, છતાં આજુબાજુના લોકોએ ઠેકડી માંડી. કોઈ એક માણસે એના હાથ ઝાલીને મહેમાનોની વચ્ચેથી બહાર કાઢ્યો, ને સમજ પાડી: "રાંડ વેવલીના! વિક્રમપુરની પટરાણી શું તારા ગામની કોળણ છે તે આવું પૂછવા બેઠો'તો? ભાગી જા ."

પણ પિનાકીને માટે ભાગી જવું સહેલું નહોતું. એ આસમાની સલૂનની ઘાટી ઝીણી જાળીઓ પાછળ દેવુબા બેઠેલી હતી તેની પોતાને ખાતરી મળી. એ દેવુબા હતી. પોતાની આ રીતે હતી : બન્નેએ દીપડીઆ નાળાની સામી ભેખળે જઈ સહિયારાં બોર વીણ્યાં હતાં : બાવળને છાંયે બેસીને એ બોરનાં બેઉએ જોડે જ જમણભાતાં કરેલાં હતાં : પોતાને પાકું પોચું રસભર્યું બોર જડતું તે પોતે દેવુબાના મોંમાં મૂકીને ખવરાવતો : રા'ખેંગાર અને રાણકદેવડીનું નાટક થાણાના છોકરાઓને એકઠા કરી પિનાકી પોતાને ઘેર બાપુજીની ગેરહાજરીમાં ભજવતો : ડામચિયાનો ઉપરકોટ અને ઊંચી બારીનો ગિરનાર ઠરાવતો. પોતે ખેંગાર બનતો, ને દેવુબાને રાણક બનાવતો : રા'ખેંગારનો પાઠ માગનાર એક બીજા છોકરાને દેવુબાએ જ ચોખ્ખું સંભળાવી દીધેલું કે, ભાણાભાઈ સિવાય બીજા કોઈની રાણકદેવડી હું નહિ બનું : ને પોતે રા'ખેંગાર તરીકે રણસંગ્રામમાંથી મરીને જ્યારે શબ જેવો બની પડેલો ત્યારે પોતાનું માથું ખોળામાં લઇ 'ગોઝારા ગરનાર'ના દુહા ગાતી દેવુબા સાચેસાચ રોવા લાગતી : ને છેલ્લું સ્મરણ પેલી મેશની મૂછોનું : રા'ખેંગારના પાઠમાં પિનાકીએ તાવડીની તળેથી મેશ લૂછી આવી પોતાની મૂછો ચીતરેલી; પછી દેવુબાએ રાણકના પાઠમાં પોતાનું મોઢું પિનાકીના મોઢાને અડકાડેલું એટલે એને પણ હોઠ ઉપર મૂછો છપાઈ ગઈ હતી: સહુ કેટલું હસ્યાં હતાં!

તે દિવસે સમજણ નહોતી કે આ એક રમત છે અને રમતનો અંત આવવાનો છે. પિનાકી રજાના દિવસો પૂરા કરીને ભણવા જતો ત્યારે તે દિવસોમાં તો દેવુબા ખાતી નહોતી; ખાવું એને ભાવતું નહોતું. એ રડતી. તે રડવાનું કારણ બતાવી શકતી નહિ. પિનાકીને જતો જોતી છતાં ઘુનાળી નદીની ભેખડ સુધી

૭૪
સોરઠ તારાં વહેતાં પાણી