આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વળાવવા જઈ શકતી નહિ. હૈયામાં ઊઠતા 'મારા રા'! મારા ખેંગાર!' એવા ભણકારા હોઠ સુધી આવતા, અને ગુલાબના ફૂલના કાંટામાં પરોવાઇ ગયેલી પાંખે તરફડતા પતંગિયાની પેઠે એ ભણકારા હોઠ ઉપર જ ફફડતા હતા.

તેર અને સોળ વર્ષની વચ્ચેની વયમાં રમનાર કિશોર લેખે પિનાકીની મનોવસ્થા તે વખતે કેટલી વિકલ બની ગઈ! એ અવસ્થાની કઢંગી દશા નથી સમજાવી શકાતી, નથી કોઈ સમજવાની પરવા પણ કરતું. પિનાકી તો પોતાની માની લીધેલી કેરી પોતાની હાથમાંથી ઝૂંટવીને બીજો ચૂસતો હોય ને પોતે એ ચૂસનારની સામે દયાજનક, ભયાનક, હિંસામય તેમજ લાચાર નજરે ટાંપી રહ્યો હોય તેમ પેલી ઘાટા ઝીણા તારોની બનેલી સલૂન-જાળી તરફ જોઈ રહ્યો.

બીજી બાજુના પ્લેટફોર્મ ઉપર પોતાની ગાડીનો પાવો વાગ્યો. એ પાવાએ પિનાકીના અંતરમાં જાણે કે ધગધગતા કોઈ ધાતુ-રસની ધાર કરી. પોતે ત્યાં ન પહોંચી શકયો. પછી થોડી જ વારે આ સલૂને શોભતી ગાડી પણ જ્યારે ચાલતી થઈ ત્યારે એના જીવની એવી દશા થઈ, જેવી દશા કોઈક શીતળ મકાનની અંદર બાંધેલો પોતાનો માળો ખેરી નાખતા એ મકાનવાળાની લાકડીને ચાંચોના પ્રહારો કરી કરી તરફડતા, પુકારતા ચૈત્ર-વૈશાખના નાના ચકલાની થઈ પડે છે.

પિનાકીને અરધી રાત સુધી બીજી ગાડીની રાહ જોતા બેસવું પડ્યું. બેઠાં બેઠાં એણે ભયંકર મનોરથોને ભાંગ્યા : મામીની પીરાણી ઘોડી પર એક દિવસ હું વિક્રમપુરમાં પેસીશ : જૂની લોકકથા માંહેલી ચંદન ઘો જો કયાંકથી જડી જાય, તો પછી રાવલજીના દરબારગઢની દિવાલ ચડતાં શી વાર છે! ઉનાળાની અંધારી રાત હશે. ઝરૂખા ઉઘાડા મૂકીને દરબાર તથા દેવલબા સૂતાં હશે : દરબારની ખુદની જ તલવાર ખેંચી લઈને એની છાતી પર ચડી બેસીશ, ને પછી જાગેલી દેવલબાને પૂછી જોઈશ કે 'તું અહીં સુખી છે? આ બૂઢો તને દુ:ખ તો દેતો નથી ને? આ ત્રણ રાણીઓ ઉપર તને ચોથીને લાવનાર તને શી રીતે પ્રિય થઈ પડયો? મારી રાણક એના બાળુડા ખેંગારને કેમ વિસારી શકી?'

ને પછી કંઈ નહિ, પણ દેવુબાને એક કાપડું આપીને હું પેલા દુષ્ટને કહી રાખીશ : જોજે, હોં! આ મારી બહેન થઈ. હવે-હવે એ મને જો કદાપિ

૭૫
સોરઠ તારાં વહેતાં પાણી