આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
સોરઠી બહારવટીયા
 


“નાથો ન જનમ્યો હોત તો મેર - તમામ લોકુંમાં લેખાત ! બસ ? એક નાથો જ કાંવ શેર લોઢું બાંધી જાણે છે ? બીજા બધા કાંવ રાંડી રાંડના દીકરા છે ?”

બીજા બે ચાર મેરો પણ બોલી ઉઠ્યા કે , “હા સાચું, બારોટે ઈ જગ્યાએ બહુ વધુ પડતું કે નાખ્યું છ. કેમકે એમાં બીજા સહુ મેરૂંને રેહ દીધો છે.”

“તે વળી એની ખરે ખબરૂં પડશે બાપ !” એટલું બોલીને બારોટ ચુપ રહ્યો. પણ પોતાને ભોંઠામણ બહુ જ લાગી ગયું.

બીજે દિવસે પ્રભાતે ઉઠીને રાણો ખુંટી તો પોતાના એક સો સંગાથીનો સંઘ લઈને દ્વારિકાજીને પંથે પડી ગયો. થોડા દિવસ પછી સંઘ પાછો વળ્યો. અને એણે વળતાં પણ મોઢવાડામાં જ વણગા પટેલને ઘેરે ઉતારો કર્યો. રાજો બારોટ તો તે દિવસના ભોંઠામણને લીધે મહેમાનને મળવા નહોતો ગયો, પણ મોડી રાતે વણગા પટેલની ડેલીએથી દાયરો વીંખાયો ત્યારે કોઈકે આવીને રાજા બારોટને ખબર દીધા કે “બારોટ ! રાણો ખુંટી જાત્રાએ ગયો ત્યાં એને દાણ ભરવું પડ્યું. ”

“કોણે દાણ લીધું ?”

“ જામનગરના ચીલાવાળાએ ભોગાત ગામને પાદર દાણ પડાવ્યું. કહે કે તે વિના જાત્રાએ જાવા જ ન દઈએ.”

“કેટલું દાણ ?”

“ત્રણસો કોરી રોકડી.”

“ અરર ! ગઝબ કે'વાય. મારો સાવઝ નાથો જીવતો હોય, ને જામના ચાકર મેરોની પાસેથી દાણ મેલાવે ?”

સૂતો હતો ત્યાંથી રાજો બારોટ ઉઠ્યો. માથા પરથી પાઘડી, કાઢી નાખીને સોગીયું લાઠીયું બાંધ્યું. સાબદો થઈને અધરાતે ઉપડ્યો. વણગા પટેલની ડેલી પાસે થઈને નીકળ્યો. ટોકો કર્યો કે “વણગા ભાભા !”

“હો ! કોણ ઈ ? બારોટ ?”