આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
સોરઠી બહારવટીયા
 

કુલ છસો કોરી તમારા જ ગામોટની સાથે પરબારી મોઢવાડે પાછી મોકલી દેજો. નીકર નાથા મોઢવાડીયાનું સામૈયુ કરવાની સાબદાઇમાં રેજો.”

ચબરખી આપીને એક સાંઢીઆ-સવારને ભોગાત રવાના કર્યો અને રાજ બારોટને કહ્યું કે “બારોટ, તું તારે જા, પરબારી કોરીયું મોઢવાડે આજ બપોર સુધીમાં પોગે નહિ તો પછી ખુશીથી માથે ફાળીયું ઓઢેને મારૂં સ્નાન કરી નાખજે.”

   • • •

બપોરે મોઢવાડામાં વણગા પટેલની ડેલીએ સહુ ડાયરો બેઠેલ છે. તે વખતે એક ખેભર્યો સાંઢીયો સામે આવીને ઝુકી પડ્યો. સાંઢીયાના અસવારે આવીને કોરીઓની પોટલી રાણા ખુંટીની સન્મુખ ધરી દીધી.

“આ શું છે ભાઈ ?”

“આ ત્રણસો કોરી, તમારા દાણની ને બીજી ત્રણસો નાથા ભાભાએ નગર પાસેથી લીધેલ દંડની. સંભાળી લ્યો. ”

“પણ ક્યાંથી ?”

“ભોગાતથી; જામના ચીલાવાળા પાસેથી.”

રાણા ખુંટીને ભરદાયરા વચ્ચે આખી વાતની જાણ થઈ. રાણો નીચું જોઈ ગયો. આખી યે પોટલી રાજા બારોટની સામે ધરીને હાથ જોડ્યા : “આ લે દેવ ! આ તુને સમરપણ છે. "

“ઈ કોરીયુંની વાત પછી; પ્રથમ તો મને કહી દે કે હવે અગીઆરમો દુહો બોલવાની રજા છે બાપ ?”

“ભલે ભાઈ, તારી મરજી ! સો વાર કબૂલ છે.”

તૂર્તજ બારોટે ગોઠણભર થઈને, બરડા ડુંગર તરફ બન્ને હાથ લંબાવી વારણાં લેતાં લેતાં દુહો લલકાર્યા કે

અગીયારે મેર અભંગ લોકુમાં લેખાત
(જો) નાથા જલમ ન થાત વંશમાં વાશીયાંગરાઉત !