આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાથો મોઢવાડીયો
૧૦૩
 


રીણાવાડા ગામને પાદર, મેરોનાં સોળે ગામોમાંથી, ઓડદરા, કેશવાલા, મોઢવાડીયા, રાજસખા, એમ ચારે વંશના, પાઘડીનો આંટો લેનારા તમામ મેર ભેળા થયા છે. નાથો પરબારો ગામમાં જઈને ગામની એક ગુપ્ત મેડીમાં સંતાયો. મેર કોમના થોડાએક આગેવાનોએ એ મેડી ઉપર બેસીને નાથા પાસે વાત મૂકી:–

“ભાભા ! તારે એકને કારણે અટાણે રાણાએ આખી નાતને ભરડો લીધો છે.”

“કીવી રીતે ?”

“નગર થાક્યું, સરકાર ખીજાણી, અને રાણાને માથે દબાણ થાય છે કે કાં તો બારવટીયાને પકડી લ્યો, નીકર રાજપાટ મેલી દ્યો.”

“પછી ?”

“પછી કાંવ ! આપણી ભોમ ભેળી કરીને રૂપાળીબાએ કહ્યું છે કે નાથાને સુંપી દ્યો નીકર અમારી ગાદી જાશે.”

“ને રાણે કાંવ કહ્યું ?”

“કહ્યું કે નાથાને જીવતો ઝાલે દ્યો તો જ મારાં પરીયાં પાણી પીવે.”

“પછી તમે કાંવ જવાબ દીધો છે ?”

“અમે તો આઠ દિ'ની અવધ દઈને આવ્યા છીએ.”

“તો ભલે ! આખી નાતને સંતાપ થાતો હોય તો હું સુંપાઈ જવા રાજી છે. આજથી ચોથે જમણે તમે આવો. હું મારૂં કામ આટોપે લઈ, ખુશીથી તમ સાથે ચાલે નીકળાં.”

“ઠીક ત્યારે, અમે ચોથે દિએ આવીએ છીએ.”

મેરોનું મંડળ ચાલી નીકળ્યું. અર્ધો એક ખેતરવા ગયા, ત્યાં તો પરબત કુછડીઓ નામે મેર એકદમ ઉભો થઈ રહ્યો. સહુએ ચમકીને પૂછ્યું “કાંઈ બા?"