લઉં ! તો જ મને કુંવરના જીવના જોખમ ખાતર જીવતદાન દેશે ! પણ ઠેકીને મેડીએ ચડવા જાય ત્યાં તો દોટ કાઢીને પૂંજા ખસ્તરીઆએ એના પગ ઝાલી લીધા. આરબે આવીને લાધવાને જમૈયો માર્યો, બીજા છયેને તોપે ઉડાવ્યા. મરતા મરતા છ યે જણ બોલ્યા કે “ફકર નહિ. નાથા ભગત સામે ખુટલાઈ કરીને જીવવા કરતાં તોપને મોઢે મરવું કાંવ ખાટું છે ?” રમતા રમતા છયે જણા તોપને મોઢે બંધાઈ ગયા. પોરબંદરમાં વીરડીને નાકે એ તમામની ખાંભીઓ છે.
રૂપાળીબાએ પૂંજા ખસ્તરીઆને બોલાવીને પૂછ્યું “ પૂંજા ભાઈ ! હવે નાથાનું શું કરશું ? એજન્સી બહુ અકળાઈ ગઈ છે. અને આપણા રાજને જફા લાગશે.”
“માડી ! મને રાજનું ઉંચા માયલું ઝેર આપો, એટલે હમણાં નાથાનું મડું લે આવેને હાજર કરાં. બાકી તમારી ફોજના તો એ ફાકડા જ કરે જાશે. મરને વલ્યાતમાંથી તોપું ઉતરે !”
“એનું શું કારણ છે ?”
“માડી, ઇના સાથળની માલીકોર શિયાળશીંગી ને મોણવેલ ભરી છે. એના અંગ માથે તોપનોયે કાર ન ફાવે, હથીઆરે તો એ મરે રીયો, માટે લાવો ઝેર. હમણાં ઈનો ઘડો લાડવો કરે, નાંખાં છે.”
ઉંચી જાતનું ઝેર રૂપાળીબાના ગુપ્તમાં ગુપ્ત ડાબલામાંથી મેળવીને પુંજો ચાલતો થઈ ગયો.
આડે ડુંગરથી ઉતર્યો નાથો, માઠાં શુકન થાય
ડાબી તે ભેરવ કકળે નાથા ! જમણાં જાંગર જાય
મોઢાને મારવો નો'તો!
ભગત તો સાગનો સોટો!