આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
સોરઠી બહારવટીયા
 

કહ્યે કટારાં વાંકડાં નાથા, ખંભે ગેંડાની ઢાલ,
માથે મેવાડાં મોળીયાં નાથા ! ખંભે ખાંતીલી ત૨વા૨

મોઢાને મારવો નો'તો
ભગત તો સાગનો સોટો !


"ભગત ! આજ એક વાર ભાઈબંધોનું કહેવું માન્ય, માઠાં શકન થાય છે. અને આજ ભલો થઈને ઘોડી પાછી વાળ્ય.”

“અરે ભાઈ ! બેનને ઘેરે જાવામાં કાંવ બીક હુતી ? અને શુકન અપશુકન કોઈ દિ' નથી જોયાં તે આજ કાંવ જોવાં ?”

“ભગત ! અમારૂં હૈયું તો આજ કબૂલતું નથી.”

“તો તમારે વળવું હોય તો વળી જાવ. બાકી મારે તો આજ હાથલે પોગીને હરજી ગોરને ઘેરે ખાધા વિના છૂટકો નેથ. મને રોટલા ખાવાનું નોતરૂં છે. અપશુકન ભાળીને નાથો પાછો વળ્યો, ઇ વાત જો બેનને કાને જાય તો બચાડી જીભ કરડેને મરે ! માટે તમને ભરોસો ન હોય તો ખુશીથી વળે જાવ.”

બે જણા પાછા વળ્યા. બાકીનાને લઈ બહારવટીયાએ બ્હેનને ઘેર જમવાના ઉલ્લાસમાં બરડાની ગાળીમાંથી ઘોડીને ઉતારી. હાથલા ગામમાં હરજી થાનકી નામે મેરનો ગોર હતો, તેને ઘેર જે બાઇ હતી (બનતાં સુધી તો દીકરાની વહુ હતી) તેને બહારવટીયાએ ધર્મની બ્હેન કહી હતી. હરજી થાનકીના ઘરમાં નાથાએ થોકે થોક લૂંટની કમાણી દીધી હતી. આજ એના ઘરમાં જ પૂંજાએ ઝેર ભેળવેલી રસોઈ કરાવીને તૈયાર રખાવી છે. કાગને ડોળે નાથાની વાટ જોવાય છે.

જ્યાં નાથો હાથલા ગામના નેરામાં આવ્યો ત્યાં આડો કાળો એરૂ ઉતર્યો, સાથીઓએ ફરીવાર ચેતાવ્યો કે “ભગત ! આ બીજી વાર માઠું ભળાય છે. હજી કોઈ રીતે વળવું છે?"