આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાથો મોઢવાડીયો
૧૦૭
 

“જો વળું તો તો મારો જન્મારો લાજે. અને જગદંબા જેવી બે'ન ગળાટુંપો ખાય.”

ચાલ્યો. ઘોડીએ હરજી મહારાજની ડેલીએ આવીને હેતની હાવળ નાખી. છેવાડા ઘરની એાસરીની થાંભલીએ પોતાની ધર્મની બહેન ઉભી છે. એનાં મ્હોં ઉપર મશ ઢળી ગઈ છે. નાથાએ સાદ કર્યો “કાં બેન, પોગ્યા છીએ હો કે !”

બાઇએ હાથની ઇસારત કરીને હળવેથી કહ્યું “ ભાઇ ! આંહી જરીક આવી જાજો !” -

“અબધડી ઉતારો કરેને આવીએ છીએ બાપા !"

“પછી તો આવી રહ્યા મારા વીરા ! ”

એ વેણ બોલાયું પણ બારવટીયાને કાને પહોંચ્યું જ નહિ. નાથો મહેમાનને ઓરડે ઉતારો કરવા ગયો. પરબારા હરજી થાનકીએ પરોણાઓને થાળી ઉપર બેસાર્યા, રંગભરી વાતો કરતાં કરતાં ગોરે મીઠી મીઠી રસોઈ જમાડી. ચાર ચાર કોળીયા ખાધા ત્યાં તો ચારેની રગેરગમાં ઝેર ચડી ગયું. નાથાની જીભ ઝલાવા લાગી. થાળીને બે હાથ જોડી નાથો પગે લાગ્યો, એટલું જ બોલ્યો “હરજી ગોર ! બસ ! આવડું જ પેટ હુતું ? બીજું કાંઈ નહિ, પણ મને ઝેર દઈને નુતો મારવો. મારે હથીઆરે મરવું હુતું !”

ત્યાં તો નાથો ઢળી પડ્યો. પુંજો ખસ્તરીઓ વગેરે ચાર જણાએ દોડીને એના મરતા દેહ ઉપર એક સામટી બંદૂકો વછોડી. પણ ગોળીઓ કોઈ પણ રીતે લાગી જ નહિ ત્યારે અવાચક બનેલા નાથાએ પોતાના સાથળ સામે આંગળી ચીંધાડી અને લોચા વળતી જીભ વડે મહેનત કરીને સમશ્યામાં સમજાવ્યું.

“હાં હાં ! શિયાળશીંગી ને મોણવેલ ત્યાં સંતાડ્યાં છે ખરૂં ને?"

મરતાં મરતાં બહારવટીયાએ “હા” કહેવા માટે ડોકું ધુણાવ્યું.